Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કવિ દુલા કાગ પ્રાથમિક શાળાની બ્રિક્સ દેશોના પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિ મંડળ હાલ ભારતના વિવિધ રાજ્યોની મુલાકાત લઈને ભારતની સાંસ્કૃતિક અને સામાજિક બાબતો વિશેનો અભ્યાસ કરી રહ્યું છે.
આ પ્રતિનિધિ મંડળમાં રશિયા, ઓસ્ટ્રેલિયા, નેપાલ, શ્રીલંકા, સ્લોવાકિયા અને સાઉથ આફ્રિકાના 15 થી વધુ સભ્યો હતા. શાળાની મુલાકાતનો હેતુ ભારતીય શિક્ષણ વ્યવસ્થાનો અભ્યાસ કરવાનો હતો. પ્રતિનિધિ મંડળે શાળાના વર્ગોમાં ચાલતા શૈક્ષણિક કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. શાળાની એસી કમ્પ્યુટર લેબ, એસી લાઇબ્રેરી અને પ્રયોગશાળા પણ નિહાળી હતી. બાળકો માટે બનાવેલ પ્રાર્થનાનો શેડ અને રમત ગમતના મેદાનની વ્યવસ્થા ઉપરાંત વર્ગોમાં સ્માર્ટ ક્લાસનો તેમજ ઇન્ટરેક્ટિવ પેનલનો ઉપયોગ થતો જોયો હતો. સ્માર્ટ ક્લાસ અને ઇન્ટરેક્ટિવ પેનલ બાળકો ઓપરેટ કરતા હતા. શાળામાં ખોખોની ટીમ કે જેમાં રાજ્યકક્ષાએ રમીને આવેલા બાળકો પ્રેક્ટિસ કરી રહ્યા હતા, તેમને પણ પ્રતિનિધિઓ મળ્યા હતા.