નસવાડી, બોડેલી તા.૨૭ છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ તાલુકાના આંબાડુંગર ગામના માનકુલા ફળિયાની સગર્ભા મહિલાને પાંચ કિલોમીટર ઝોળીમાં નાખીને ૧૫ જેટલા યુવાનો મહામુસીબતે હાફેશ્વર સુધી લઇ ગયા હતાં. રસ્તાના અભાવે જીવનું જોખમ ઉઠાવીને સગર્ભાને બાદમાં કવાંટ લઇ જઇ પ્રસૂતિ કરાવતા મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો.
આદિવાસી વિસ્તાર કવાંટ તાલુકાના છેવાડાના ગામોમાં આઝાદીના આટલા વર્ષો પછી પણ સરકાર દ્વારા રસ્તાની સુવિધા ના આપતા સગર્ભા મહિલાઓને પ્રસૂતિ માટે ઝોળીમાં ઊંચકીને લઇ જવાની ઘટનાઓ વારંવાર બને છે. કવાંટ તાલુકાના આંબાડુંગર ગામની ૨૨ વર્ષની કોકિલા અરવિંદભાઈ ભીલને ગઇ સાંજે પ્રસૂતિનો દુખાવો ઉપડતા ગામના ૧૫ જેટલા યુવાનો લાકડાના ટેકા ઉપર ચાદર બાંધી તેની ઝોળી બનાવી તેને આ ઝોળીમાં સૂવડાવી પાંચ કિલોમીટર ચાલીને હાફેશ્વર સુધી પહોંચાડી હતી.
ખાડા ટેકરા વાળા રસ્તા તેમજ નદીમાં પાણી અને પગપાળા ચાલવાનું એક તરફ સગર્ભા મહિલા દર્દથી કણસતી હતી ગરમી અસહ્ય હતી ડુંગરોના ઢાળ ચઢવાના હતા અને જો પગ લપસે તો ઝોળી સાથે નીચે પટકાય તો સગર્ભા મહિલાને પણ મુશ્કેલી પડે આવી સ્થિતિમાં પાંચ કિ.મી.નો રસ્તો કાપવામાં યુવાનોને પસીનો આવી ગયો હતો. હાફેશ્વરથી આ મહિલાને એમ્બ્યુલન્સમાં કવાંટ પહોંચાડવામાં આવી હતી.