Navratri 2025: અમદાવાદ, શનિવાર એક સમયે આખા ગુજરાતમાં પ્રસિદ્ધ અમદાવાદની પોળ વિસ્તારના શેરી ગરબાની પરંપરા ધીમે ધીમે બંધ થવા માંડી છે. ત્યારે એક તરફ જીએમડીસી મેદાનમાં પરંપરાના નામે નવરાત્રિનું આયોજન કરતી સરકાર દ્વારા પણ પોળ વિસ્તારના ઐતિહાસિક ગરબાની ઉપેક્ષા કરાઈ રહી છે. વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવતા શહેરની આ જૂનવાણી પરંપરાની જાળવણી નહીં કરવામાં આવે તો આગામી એકાદ-બે દસકામાં પોળના તમામ ગરબા બંધ થઈ જશે.
દૂર દૂરથી લોકો પોળના ગરબા જોવા આવતા હતા
આજથી ત્રણ-ચાર દસકા પૂર્વે અમદાવાદ શહેરનો ખાડિયા, દરિયાપુર, કાલુપુર, શાહપુર, રાયપુર સહિતનો વિસ્તાર નવરાત્રિના નવ દિવસ સુધી રાત્રિના સમયે જાણે કે જીવંત બની જતા હતા. અમદાવાદના દૂર દૂરના વિસ્તારોમાંથી લોકો પોળના ગરબા જોવા આવતા હતા. રાયપુર અને કાલુપુર વિસ્તારમાં તો મોટાભાગના ગરબા બંધ થઈ ગયા છે, હવે ખાડિયા, શાહપુર, ઘીકાંટા વગેરે વિસ્તારમાં ચાલતા ગરબા પણ ડચકા લઈ રહ્યા છે. એક સમયે જ્યાં નવરાત્રિ દરમિયાન અડધો-પોણો કિલોમીટર લાંબા ગરબાના રાઉન્ડ જતા હતા, ત્યાં આજે સન્નાટો છવાયેલો જોવા મળી રહ્યો છે.
આ દરમિયાન પોળ વિસ્તારના મૂળ રહેવાસી સામાજિક કાર્યકર સ્વપ્રીલ સોનીએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરીને પોળ વિસ્તારના શેરી ગરબાની અસ્મિતાને જીવંત રાખવા રજૂઆત કરી છે. તેના માટે સાનિક આયોજક મંડળોને આર્થિક પ્રોત્સાહન આપવાથી માંડીને મંજૂરીની પ્રક્રીયાઓ સરળ બનાવવા તેમજ સરકાર દ્વારા પણ જીએમડીસીની માફક નવરાત્રિમાં એકાદ-બે દિવસ માટે પોળ વિસ્તારમાં સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન રાખવામાં આવે તેવાં સૂચનો કરાયા છે. પોળ વચ્ચે ગરબા હરિફાઈ યોજીને સારા ખૈલેયાઓ તેમજ પોળને પુરસ્કારો આપીને પ્રોત્સાહિત કરવા તેમજ પોળ વિસ્તારના ગરબાના આયોજનો માટે એક ખાસ કમિટી બનાવવાની માગણી પણ સમક્ષ કરાઈ છે.
પોળમાં હવે બાકી રહેલો ગરીબ, મધ્યમ વર્ગ રોજિંદી મુશ્કેલીમાંથી જ ઊંચો આવતો નથી!
પોળ વિસ્તારના શેરી ગરબાને લાગેલા ગ્રહણ માટે સૌથી મોટુ જવાબદાર પરિબળ સમુદ્ધ લોકો પોળ છોડીને જતા રહ્યા હોવાનું છે. હવે પોળ વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો બાકી રહ્યા છે. જે પરિવારનું ગુજરાન ચલાવવા માટે બે છેડા ભેગા કરવામાંથી ઊંચા આવતા નથી. ગરબાના આયોજનમાં સક્રીય રહી શકે અને મોટી રકમનું અનુદાન આપી શકે તેવા લોકોનો અભાવ હોવાથી પોળના ગરબા બંધ થવા માંડ્યા છે. વળી અનેક રહેણાંક વિસ્તારો આજે કોમર્શિયલમાં ફેરવાઈ ગયા છે. જેના કારણે ત્યાં પ્રાચીન શેરી ગરબાના આયોજનોનો છેદ જ ઊડી ગયો છે.
આ પણ વાંચો: નવરાત્રિ 2025: જાણો માતાજીની ઉપાસના-ઘટ સ્થાપનનું મહત્ત્વ, જેથી તમને મળે ઊર્જા અને નકારાત્મકતાનો થાય નાશ
ગુજરાતભરમાં ગરબા માટે પ્રસિદ્ધ પોળ
•શાહપુર સદુમાતાની પોળ: આઠમે પુરુષો સ્ત્રીઓના કપડા પહેરી ગરબા રમે છે
•શાહપુર વસ્તા ઘેલજીની પોળ: માંડવીમાં ભાવિકો પતાસાની માનતા રાખે છે
•ઘી કાંટા પંચભાઈની પોળ: અડધોથી પોણો કિ.મી. લાંબો ગરબાનો રાઉન્ડ હોય છે
•વાડી ગામ: એકલી દીકરીઓના ગરબા, 18 પોળના લોકો એકત્ર થઈ ગરબે રમે છે
ગરબા માટે જાણીતી પોળ
•વળી કોટડીની પોળ, શાહપુર હલીમની ખડકી
•નાગોરી શાળા, રતનપોળ
•મહાકાળીની વાડી, ઘી કાંટા
•નવોવાસ, સ્વામિનારાયણ મંદિર
•બકરી પોળ, કટકિયાવાડની સામે
•જાગૃત પોળ, નગદલ્લા હનુમાન
•ઘી કાંટા રોડ, પોલીસ ચોકી પાસે
•નવતાડની પોળ, મેટ્રો પાસે
•વાઘેશ્વરીની પોળ
•નાગરવાડો
•બાલા હનુમાન ખાડિયા
•આકાશેઠ કૂવાની પોળ
•શામળાની પોળ
•ગોલવાડ, ખાડિયા
•હરકિશનદાસ શેઠની પોળ
•પીપરડીની પોળ
•મોટી-નાની હમામની પોળ
•પિત્તળિયા બમ્બા, ઘી કાંટા
•જોગણી માતાનું મંદિર, માધુપુરા