– પથ્થરમારો કે લાઠીચાર્જને કારણે ધક્કામુક્કી થયાનો વિજયનો દાવો જુઠો : પોલીસનો બચાવ
– વિજયે મૃતકોના પરિવારને 20 લાખની સહાય જાહેર કરી, કાવતરું હોવાના દાવા સાથે ઉચ્ચસ્તરીય તપાસની હાઇકોર્ટમાં માગ
– 40 નિર્દોષોના મોત પાછળ જવાબદાર કોઇ નહીં, પક્ષો-નેતાઓ-પોલીસે એકબીજા પર દોષનો ટોપલો ઢોળ્યો
ચેન્નાઇ: તમિલનાડુમાં અભિનેતા વિજયની રેલી દરમિયાન ભારે ભીડમાં થયેલી ધક્કામુક્કીમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા ૪૦ સુધી પહોંચી ગઇ છે. આ સમગ્ર ઘટનાને કારણે સવાલોથી ઘેરાયેલો વિજય હવે સ્વબચાવ માટે હાઇકોર્ટ પહોંચ્યો છે. તેણે હાઇકોર્ટમાં દાવો કર્યો છે કે આ સમગ્ર ઘટના એક કાવતરું હતંુ જેની સીબીઆઇ દ્વારા અથવા અન્ય રીતે સ્વતંત્ર તપાસ થવી જોઇએ, હાઇકોર્ટે સુઓમોટો દ્વારા કાર્યવાહી કરવી જોઇએ. બાદમાં મદ્રાસ હાઇકોર્ટે આ અંગે વિચારણા કરવાનું કહ્યું હતું. જ્યારે પોલીસે દાવો કર્યો હતો કે વિજયે બે રેલીની ભીડ એક જ સ્થળે ભેગી કરી કરતા ધક્કામુક્કી થઇ હતી.
ટીવીકે પાર્ટીના પ્રમુખ વિજયે આ સમગ્ર ઘટનામાં જે પણ લોકો માર્યા ગયા છે તેમના પરિવારને ૨૦ લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી હતી. જ્યારે જે પણ લોકો ઘવાયા છે તેમને બે લાખ રૂપિયા આપવાનો દાવો કર્યો હતો. ટીવીકે પક્ષે દાવો કર્યો છે કે પોલીસ દ્વારા ટોળા પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો સાથે જ પથ્થરમારો થયો હતો જેને કારણે ધક્કામુક્કી થઇ હતી. આ એક મોટુ કાવતરુ છે.
બીજી તરફ તમિલનાડુના એડીજીપી ડેવિડસન દેવસિરવથમે કહ્યું હતું કે વિજયની રેલી માટે પોલીસે પુરતી વ્યવસ્થા કરી રાખી હતી. આ દરમિયાન પથ્થમારો થયો હોવાના કારણે ધક્કામુક્કી થઇ હોવાના દાવા પણ જુઠા છે. આવી કોઇ જ ઘટના નહોતી બની. કરૂરમાં વિજયને રેલીમાં આવવામાં બહુ જ મોડુ થયું હતું, નમક્કલમાં વિજયની અન્ય એક રેલી યોજાવાની હતી ત્યાંના લોકો પણ કરૂરમાં પહોંચી ગયા. જેને કારણે સંખ્યા બમણી થઇ ગઇ જ્યારે જગ્યા બહુ જ સાકડી હતી. માત્ર ૧૨૦૦૦ લોકોની જ મંજૂરી લેવામાં આવી હતી.
મદ્રાસ હાઇકોર્ટમાં એક પીડિત સેંથિલકન્નને અરજી કરી હતી જેમાં તેણે માગ કરી છે કે વિજયની કોઇ પણ રેલીને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં ના આવે. હું પોતે આ ઘટનાનો શિકાર બન્યો છું અને મને પણ ઇજાઓ પહોંચી છે. અરજદારે કરૂર પોલીસ સ્ટેશનમાં વિજય સામે દાખલ ફરિયાદનો હવાલો આપ્યો હતો અને કહ્યું હતું કે આ ફરિયાદમાં સદોષ માનવ વધની પણ કલમો લગાવવામાં આવી છે. હાલ હાઇકોર્ટે આ અરજીની તાત્કાલીક સુનાવણીની માગણી ઠુકરાવી હતી.
દરમિયાન ઉપ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિને દાવો કર્યો હતો કે જવાબદાર સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે, હાલ આ સમગ્ર ઘટનાને લઇને તપાસ શરૂ કરી દેવામાં આવી છે, જેની અધ્યક્ષતા હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ અરુણા જગદીસનને સોંપવામાં આવી છે. તેઓ તપાસ માટે કરૂર પહોંચી ગયા છે અને સ્થિતિની જાણકારી મેળવી રહ્યા છે. વિજય તરફ ઇશારો કરતા સ્ટાલિને કહ્યું હતું કે જે પણ લોકો જવાબદાર હશે તેમની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.