Hit And Run on Jasdad-Vinchhiya Highway : રાજકોટ જિલ્લાના જસદણમાં હિટ એન્ડ રનની ઘટનામાં બે મહિલાના કરુણ મોત થયા છે, જ્યારે 13 મહિલાઓ અને યુવતીઓને ઈજા પહોંચી છે. આ ઘટના જસદણ-વિંછીયા હાઈવે પર હિંગોળગઢ નજીક બની હતી.
મળતી માહિતી મુજબ જસદણની રહેવાસી યુવતીઓ અને મહિલાઓનું એક ગ્રુપ કેટરિંગનું કામ પતાવીને પરત ફરી રહ્યું હતું. ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી એક અજાણી કારના ચાલકે તેમને અડફેટે લીધા હતા.
આ ભયંકર અકસ્માતમાં શાંતુબેન અશોકભાઈ ગોહિલ (ઉંમર 52) અને રૂપાબેન જયંતીદાસ ગોંડલીયા (ઉંમર 40)નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઉપરાંત, અન્ય 13 જેટલી મહિલાઓ અને યુવતીઓને ગંભીર અને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોમાંથી એકની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: બોટાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસતાં 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત
અકસ્માત સર્જાતા આસપાસમાંથી દોડી આવેલા સ્થાનિક લોકોની મદદથી તમામ ઈજાગ્રસ્તોને જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જીને કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ વિંછીયા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી, ફરાર થયેલા ચાલકને પકડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આસપાસના સીસીટીવી ફૂટેજની મદદથી કાર અને ચાલકની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાને પગલે મૃતકોના પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે.