Surat Accident News: હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (AMNS) કંપનીના પ્લાન્ટમાં આજે (29 સપ્ટેમ્બર) એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પ્લાન્ટના કોકો ગેટ નજીક એક ક્રેન તૂટી પડતાં એક કામદારનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે, જ્યારે અન્ય ત્રણ કામદારોને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ઘટનાને પગલે સમગ્ર પ્લાન્ટ વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ ફેલાઈ ગયો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટના પ્લાન્ટના કોકો ગેટ પાસે બની હતી. કામગીરી દરમિયાન અચાનક ક્રેન તૂટી પડી હતી, જેના કારણે તેની નીચે કામ કરી રહેલા ચાર કામદારો દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ઇજાગ્રસ્ત થયેલા ત્રણેય કામદારોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા કામદારના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ક્રેન કયા કારણોસર તૂટી પડી તે અંગેની તપાસ હાલમાં શરૂ કરવામાં આવી છે. કંપનીના અધિકારીઓ અને સ્થાનિક પોલીસ દ્વારા ઘટનાસ્થળની મુલાકાત લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટના પાછળ ટેકનિકલ ખામી છે કે માનવીય ભૂલ, તે તપાસ બાદ જ જાણી શકાશે.