બોટાદના બાબરકોટ ચોકડી નજીકની ઘટના
બાબરકોટ ગામે રહેતો યુવક નાસ્તો કરવા જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સજાર્યો
ભાવનગર: બોટાદ જિલ્લાના બાબરકોટ ગામે બાબરકોટ ચોકડી નજીક બનેલાં હીટ એન્ડ રનના બનાવમાં અજાણ્યા વાહને રસ્તો ઓળંગતા યુવકને અડફેટે લઈ તેનું મોત નિપજાવી નાસી છૂટયો હતો.
બોટાદ જિલ્લાના બાબરકોટ ગામે રહેતા ગીતાબેન દિનેશભાઈ ઉગરેજીયાએ પાળિયાદ પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૯મી માર્ચના રોજ રાત્રિના સાડા નવ કલાકના અરસામાં સુરેશભાઈ દિનેશભાઈ ઉગરેજીયા (ઉ.વ.૨૨, રહે.બાબરકોટ) ચાલીને નાસ્તો કરવા જઈ રહ્યાં હતા અને બાબરકોટ ચોકડીથી આગળ ભંગારના ડેલા સામે ગોળાઈમાં રોડ ક્રોસ કરી રહ્યાં હતા ત્યારે અજાણ્યા વાહનના ચાલકે તેમને અડફેટે લઈ અકસ્માત સજર્યો હતો અને ચાલક પોતાનું વાહન લઈને નાસી છૂટયો હતો. બીજી તરફ, આ અક્સમાતમાં યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડતા સારવાર માટે પાળિયાદ સરકારી દવાખાને ખસેડાયો હતો.. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા. બનાવ અંગેપાળિયાદ પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.