મુંબઈ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફ ભારત સાથે ટ્રેડ ડિલ કરવા માટે રશીયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું બંધ કરવાનું દબાણ કરી રહ્યાનું અને બીજી તરફ ઓપેક સંગઠન અને અન્ય દેશો નવેમ્બરમાં ક્રુડ ઓઈલના ઉત્પાદનમાં વધારો કરે એવી શકયતા વચ્ચે ક્રુડ ઓઈલના ભાવો ઘટતાં આજે ફંડોની ઓઈલ-ગેસ શેરોની આગેવાનીએ મજબૂતી રહી હતી. અલબત હજુ ટ્રમ્પ ટેરિફ મામલે ભારત પર ભીંસ વધારશે એવી અટકળો અને ચાઈના પણ તાઈવાન મામલે અમેરિકા પર સ્વતંત્ર રાષ્ટ્રનું વલણ છોડવા દબાણ કરી રહ્યાના અને યુક્રેન મામલે હજુ યુદ્વ વકરવાના અને ગાઝા મામલે ઈઝરાયેલના આક્રમક વલણને લઈ જીઓપોલિટીકલ ટેન્શન યથાવત રહેવા છતાં વૈશ્વિક બજારોમાં મજબૂતી રહી હતી. ભારતમાં ઓઈલ-ગેસ, મેટલ શેરોમાં આકર્ષણ સામે ઓટો, બેંકિંગ, આઈટી, કેપિટલ ગુડઝ શેરોમાં ઉછાળે વેચવાલી રહી હતી. સેન્સેક્સ ૮૦૮૫૨થી ૮૨૩૪૮ વચ્ચે ફંગોળાઈ અંતે ૬૧.૫૨ પોઈન્ટ ઘટીને ૮૦૩૬૪.૯૪ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૪૭૯૨થી ૨૪૬૦૬ વચ્ચે અથડાઈ અંતે ૧૯.૮૦ પોઈન્ટ ઘટીને ૨૪૬૩૪.૯૦ બંધ રહ્યો હતો.
મેટલ-માઈનીંગ શેરોમાં સિલેક્ટિવ ખરીદી : હિન્દુસ્તાન ઝિંક, એપીએલ અપોલો, નાલ્કો, હિન્દાલ્કોમાં તેજી
સોના-ચાંદીના ભાવોમાં રેકોર્ડ નવી તેજીના પરિણામે અને ચોમાસું સારૂ રહેતાં હવે ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે માંગ વધવાની અપેક્ષાએ મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોની આજે સિલેક્ટિવ ખરીદી રહી હતી. હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૭.૬૦ વધીને રૂ.૪૬૬.૫૫, એપીએલ અપોલો રૂ.૩૫.૯૦ વધીને રૂ.૧૬૯૬.૬૫, નાલ્કો રૂ.૩.૫૫ વધીને રૂ.૨૦૪.૦૫, હિન્દાલ્કો રૂ.૧૦.૮૦ વધીને રૂ.૭૫૪.૫૦, જિન્દાલ સ્ટીલ રૂ.૧૩.૩૦ વધીને રૂ.૧૦૪૨.૯૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૨૭.૯૧ પોઈન્ટ વધીને ૩૨૮૮૭.૬૪ બંધ રહ્યો હતો.
રિયાલ્ટી શેરોમાં ઘસારો અટક્યો : અનંત રાજ રૂ.૨૦ વધી રૂ.૬૯૯ : સિગ્નેચર, ગોદરેજ પ્રોપર્ટીઝ વધ્યા
રિયાલ્ટી શેરોમાં આજે ધોવાણ અટકીને પસંદગીની ખરીદી રહી હતી. અનંત રાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૯.૭૦ વધીને રૂ.૬૯૮.૬૫, સિગ્નેચર રૂ.૨૯.૩૫ વધીને રૂ.૧૦૮૪.૫૫, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૪૦.૬૫ વધીને રૂ.૧૯૯૭.૮૦, ઓબેરોય રિયાલ્ટી રૂ.૨૨.૯૫ વધીને રૂ.૧૬૦૧.૫૦, લોઢા ડેવલપર્સ રૂ.૧૩.૧૫ વધીને રૂ.૧૧૫૪, પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૧૩.૩૫ વધીને રૂ.૧૫૨૦.૧૦ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૬૫.૫૧ પોઈન્ટ વધીને ૬૭૯૩.૮૦ બંધ રહ્યો હતો.
ક્રુડના ભાવ તૂટયા : ઓઈલ-ગેસ શેરોમાં એચપીસીએલ રૂ.૨૦ ઉછળી રૂ.૪૪૨ : બીપીસીએલ, પેટ્રોનેટ વધ્યા
ઓપેક પ્લસ દેશો દ્વારા નવેમ્બરમાં ઓઈલ ઉત્પાદનમાં વધારો કરવાનો નિર્ણય લેવાય એવી શકયતાના અહેવાલે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટી આવી સાંજે બ્રેન્ટ ૧.૧૭ ડોલર ઘટીને ૬૮.૯૬ ડોલર અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડ ૧.૨૭ ડોલર ઘટીને ૬૪.૪૫ ડોલર નજીક રહ્યા હતા. ઓઈલ-ગેસ શેરોમાં ફંડો લેવાલ રહ્યા હતા. એચપીસીએલ રૂ.૧૯.૭૫ વધીને રૂ.૪૪૧.૮૫, બીપીસીએલ રૂ.૧૪.૭૫ વધીને રૂ.૩૩૯.૧૫, પેટ્રોનેટ એલએનજી રૂ.૧૧.૬૦ વધીને રૂ.૨૭૮.૫૫, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૪.૨૫ વધીને રૂ.૧૪૯.૩૦, ગેઈલ ઈન્ડિયા રૂ.૪.૫૦ વધીને રૂ.૧૭૬.૪૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૫૧૮.૩૫ પોઈન્ટ વધીને ૨૬૯૫૧.૪૦ બંધ રહ્યો હતો.
આઈટી-સોફ્ટવેર શેરોમાં ફંડો સતત વેચવાલ : ઈન્નોવા થીંકલેબ,સોનાટા સોફ્ટવેર, તાન્લા, રેટગેઈન ઘટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોની સતત વેચવાલી રહી હતી. અમેરિકાએ એચ-૧બી વીઝા વનટાઈમ ફી લાગુ કર્યા સાથે લોટરી સિસ્ટમ બંધ કરવાના નિર્ણયને લઈ આઈટી કંપનીઓ માટે કફોડી હાલત થવાની ધારણાએ રોકાણકારોનો સતત નિરૂત્સાહ રહ્યો હતો. ઈન્નોવા થિંકલેબ્સ રૂ.૨૫.૨૦ ઘટીને રૂ.૪૮૯.૮૦, મેક્લિઓડ રૂ.૩.૮૨ ઘટીને રૂ૭૫.૨૬, સોનાટા સોફ્ટવેર રૂ.૧૪ ઘટીને રૂ.૩૪૩.૫૦, બિરલા સોફ્ટ રૂ.૧૩.૪૦ ઘટીને રૂ.૩૪૭.૭૫, તાન્લા પ્લેટફોર્મ રૂ.૨૪.૯૦ ઘટીને રૂ.૬૬૮.૧૫, રેટગેઈન રૂ.૨૦.૫૫ ઘટીને રૂ.૬૨૭.૬૦, નેટવેબ રૂ.૧૧૧.૦૫ ઘટીને રૂ.૩૫૮૫.૧૦, ઝેનસાર ટેકનોલોજી રૂ.૨૧.૭૫ ઘટીને રૂ.૭૫૨.૦૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૮૧.૮૧ પોઈન્ટ ઘટીને ૩૩૨૪૫.૧૯ બંધ રહ્યો હતો.
ટાયર-ઓટો શેરોમાં અપોલો ટાયર, બાલક્રિષ્ન ઈન્ડ., એમઆરએફ, મારૂતી સુઝુકી, આઈશર મોટર ઘટયા
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ આજે ઉછાળે સાવચેતી રહી હતી. પસંદગીના શેરોમાં ખરીદી સામે ઘણા શેરોમાં વેચવાલી રહી હતી. તહેવારોની સીઝનમાં અપેક્ષિત ખરીદી નહીં નીકળ્યાના અહેવાલોએ કંપનીઓના વેચાણને અસર થવાની ધારણાએ ફંડો ઓટો, ટાયર શેરોમાં વેચવાલ રહ્યા હતા. અપોલો ટાયર રૂ.૧૪.૧૦ ઘટીને રૂ.૪૬૫.૮૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૬૪.૨૦ ઘટીને રૂ.૨૨૮૯, એમઆરએફ રૂ.૨૪૯૫.૧૦ ઘટીને રૂ.૧,૪૬,૧૦૩.૦૫, મારૂતી સુઝુકી રૂ.૨૬૮.૬૫ ઘટીને રૂ.૧૫,૯૯૮.૦૫, હીરો મોટોકોર્પ રૂ.૧૫.૮૦ ઘટીને રૂ.૫૩૧૦.૩૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૭૧.૦૯ પોઈન્ટ ઘટીને ૫૯૦૮૦.૬૩ બંધ રહ્યો હતો.
વોખાર્ટ રૂ.૨૩૦ ઉછળ્યો : રેડિંગ્ટન, ગોડફ્રે, પારાદ્વીપ ફોસ્ફેટ, ઉષા માર્ટીન, ઈમુદ્રા, એમઆરપીએલ ઉછળ્યા
ખરાબ બજારે આજે પસંદગીના એ ગુ્રપના શેરોમાં તેજી જોવાઈ હતી. વોખાર્ટ રૂ.૨૩૦.૦૫ વધીને રૂ.૧૫૬૫.૫૦, સમ્માન કેપિટલ રૂ.૧૬.૬૦ વધીને રૂ.૧૫૪.૪૫, રેડિંગ્ટન રૂ.૨૭.૧૫ વધીને રૂ.૨૯૧.૮૫, ગોડફ્રિ ફિલિપ રૂ.૨૨૭.૩૦ વધીને રૂ.૩૫૦૯.૯૫, પારાદ્વીપ ફોસ્ફેટ રૂ.૧૧.૯૫ વધીને રૂ.૧૯૪.૪૦, ઉષા માર્ટીન રૂ.૨૬.૬૫ વધીને રૂ.૪૭૫.૬૦, ઈમુદ્રા રૂ.૩૩.૯૦ વધીને રૂ.૬૬૬.૨૦, એમઆરપીએલ રૂ.૬.૭૫ વધીને રૂ.૧૩૪.૩૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં રોકાણકારોનું હતાશામાં ઓફલોડિંગ વધ્યું : ૨૩૮૯ શેરો નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટીમાં અફડાતફડીના અંતે નરમાઈ સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં દરેક ઉછાળે ઓપરેટરો, ફંડો વેચવાલ બની રહ્યા હોઈ તૂટતાં જતાં ભાવોએ આજે રિટેલ રોકાણકારોએ હતાશામાં ઘણા શેરોમાં વેચવાલી કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૮૭ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૮૨૨ અને ઘટનારની સંખ્યા ૨૩૮૯ રહી હતી.હતા.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૯૫ હજાર કરોડ વધીને રૂ.૪૫૧.૫૦ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટી વોલેટીલિટીના અંતે નરમાઈ સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી છતાં એ ગુ્રપના શેરોમાં પસંદગીનું આકર્ષણ રહેતાં રોકાણકારોની સંપતિ પણ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૯૫ હજાર કરોડ વધીને રૂ.૪૫૧.૫૦ લાખ કરોડ રહ્યું હતું.