નિયમોનું ઉલંધ્ધન કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બંને ડોક્ટરો સામે કાર્યવાહી
બંને ડોક્ટર એસોસિએટ ફિઝીશ્યન અને ફિઝીશ્યન દર્શાવી એલોપેથી સારવાર કરતા હતા ઃ ડો. અભિષેક ગોહેલ પાસે બી.એચ.એમ.એસ.ની ડિગ્રી, ડો.આશિષ કાંજીયાની ડિગ્રી સામે સવાલ
સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગરની વિહાના હોસ્પિટલમાં ડિગ્રી વગર એલોપથીની પ્રેક્ટિસ કરતા બે ડોક્ટર ઝડપાયા છે. બી-ડિવીઝન પોલીસે તાલુકા હેલ્થ ઓફિસર, અર્બન હેલ્થ ઓફિસર, આયુષ મેડિકલ, ફાર્માસિસ્ટ સહિતની ટીમના ચેકિંગ બંનેની ડોક્ટરની ડિગ્રીમાં ગેરરીતિ ઝડપાઇ હતી તેમજ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું સામે આવ્યું હતું. તંત્રની ટીમે બંને ડોક્ટરો સામે કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના બસ સ્ટેન્ડ રોડ પર આર્ટસ કોલેજ સામે આવેલા બ્રહ્માનંદ ચેમ્બરમાં ખનગી વિહાના હોસ્પિટલમાં ડો.અભિષેક ગોહેલ અને ડો.અશિષ કાંજીયા દર્દીઓની તપાસ અને સારવાર કરે છે. બી-ડિવીઝન પોલીસ મથકે થયેલી લેખિત ફરિયાદ મુુજબ ગુજરાત હોમિયોપેથિક કાઉન્સીલમાં નોંધાયેલી નોંધણી નંબર પરથી ડો. અભિષેક ગોહેલ (બી.એચ.એમ.એસ.) હોમિયોપેથીની ડીગ્રી ધરાવતા હોવા છતાં હોસ્પિટલના બોર્ડ અને પ્રીસ્ક્રિપ્શનમાં એસોસીએટ ફિઝિશ્યન તરીકેની ઓળખ દર્શાવી એલોપેથિક દવાઓ દર્દીઓને પ્રીસ્ક્રિપ્શનમાં લખતા હતા.
આ ઉપરાંત વિહાના હોસ્પિટલમાં સારવાર કરતા ડો.આશીષ કાંજીયા જેઓ પોતે એમ.બી.બી.એસ. હોવાનું જણાવે છે પરંત તેમના રજીસ્ટ્રેશન નંબર પરથી નેશનલ મેડિકલ કમિશનની વેબસાઈટ પરથી તપાસ કરતા આ રજીસ્ટ્રેશન નંબર પર તેઓનું નામ જણાઈ આવતું નથી. આથી તેમની એમ.બી.બી.એસ. ડિગ્રી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. જે અંગે બી-ડિવીઝન પોલીસે તાલુકા હેલ્થ ઓફિસર, અર્બન હેલ્થ ઓફિસર, આયુષ મેડિકલ, ફાર્માસિસ્ટ સહિતની ટીમ દ્વારા સંયુક્ત રીતે હોસ્પિટલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતા અનેક ગેરરીતિ બહાર આવતા કાર્યવાહી હાથ ધરી છે.
હોસ્પિટલમાં એલોપેથીની સારવાર અને દર્દીઓને એડમીટ પણ કરતા હતા
હોસ્પિટલના બોર્ડમાં બી.એચ.એમ.એસ. લખવાનું જરૃરી હોવા છતાં લખ્યું નહોતું અને એલોપેથીની સારવાર કરતા હોવાનું તેમજ નિયમ મુજબ હૃદયરોગ સિવાય ગંભીર બીમારીના કોઈ પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ ન કરી શકે પરંતુ તેમ છતાં વિહાના હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરી સારવાર કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું.
ડિગ્રી વગરના ડોક્ટરો અનેક હોસ્પિટલમાં સારવાર આપતા હોવાની ચર્ચા
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારો ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી અનેક ખાનગી હોસ્પિટલોમાં તબીબી ડિગ્રી વગર અથવા હોમિયોપેથી કે સામાન્ય ડિગ્રી સાથેના ડોક્ટરો દ્વારા દર્દીઓની સારવાર કરી આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે ત્યારે આ અંગે જવાબદાર તંત્ર દ્વારા અન્ય હોસ્પિટલોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવે તો અનેક બોગસ ડોક્ટરો ઝડપાઈ શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.