Bus Accident in Dadra Nagar Haveli: દાદરાનગર હવેલીમાં લગ્નનો પ્રસંગ માતમમાં છવાયો છે. જ્યાં આંગણે લગ્નગીતો ગવાયા હતા, ત્યાં મરસિયા ગવાશે. કારણ કે દાદરાનગર હવેલીના દપાડાથી કરચોન ગામે જાન લઇને જઇ રહેલી બસનો અકસ્માત નડ્યો હતો. ઉપલામેઢા ટર્નિંગ નજીક વળાંકમાં ટર્ન લેતી વખતે બસચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે 20થી વધુ જાનૈયાઓ ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત જાનૈયાઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
જાનૈયા ભરેલી બસનો અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ પોલીસ અને એમ્બુલન્સને જાણ કરી હતી. અકસ્માત બાદ બસ ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને પોલીસે તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. 14 જાનૈયાથી હાલ વધુ ગંભીર હોવાથી તેમને વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
પોલીસે મૃતકની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલી દીધી છે. હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.