વડોદરા, શહેરના કલાલી બ્રિજ પર આજે સવારે વધુ એક ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ડમ્પર ચાલકે મોપેડ પર જતા સિનિયર સિટિઝનને કચડી નાંખતા સ્થળ પર જ તેમનું મોત થયું હતું. અટલાદરા પોલીસે સ્થળ પર જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તાંદલજા અનાબીયા રેસિડેન્સીમાં રહેતા ૬૦ વર્ષના રફિકખાન મુનીરખાન પઠાણ આજે સવારે મોપેડ લઈને મકરપુરા જી.આઇ.ડી.સી. માં લેથ મશીનના કારખાનામાં જતા હતા. તે દરમિયાન અક્ષર ચોક તરફથી પૂરઝડપે આવતા ડમ્પર ચાલકે કલાલી બ્રિજ પર વળાંક લેતા સમયે મોપેડને ટક્કર મારતા રફિકખાન રોડ પર ફંગોળાઇને પડયા હતા. તેઓ ડમ્પરના પંૈડા નીચે આવી જતા ઇજાઓ પહોંચી હતી. લોકોના ટોળા ભેગા થઇ જતા ડમ્પર ચાલકે ડમ્પર ઉભું કરી દીધું હતું. રાહદરીએ એમ્બ્યુલન્સને ફોન કરતા એમ્બ્યુલન્સ આવી ગઇ હતી. એટન્ડન્ટે ચેક કરતા રફિકખાનને ગંભીર ઇજા થઇ હોવાથી તેઓનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે ડમ્પર ચાલક સ્થળ પર ડમ્પર છોડીને ભાગી જવાની કોશિશ કરતો હતો. પરંતુ, ઘટના સ્થળે એકત્ર ટોળાએ તેને પકડી લીધો હતો.દરમિયાન અટલાદરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. લોકોએ ડમ્પર ચાલકને પોલીસને સોંપી દીધો હતો. અટલાદરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી ડમ્પર ચાલક નરેન્દ્ર રાયસીંગભાઇ પાટણવાડિયા ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટના સ્થળેથી જતા વકીલે મૃતકના પુત્રને કોલ કરીને જાણ કરી
વડોદરા, રફિકખાનનો મોબાઇલ પણ તૂટી ગયો હતો. ઘટના સ્થળ નજીકથી પસાર થતા એક વકીલે તેમના મોબાઇલમાંથી તેમના પુત્રનો નંબર કાઢી સંપર્ક કરી બનાવની જાણ કરી હતી. મૃતકનો પુત્ર સાહીલખાન અલકાપુરીની એક કંપનીમાં નોકરી કરે છે. તેના પર કોલ આવતા તે તરત સ્થળ પર દોડી આવ્યો હતો. તેની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો છે.
ડમ્પર વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં માટીના ફેરા મારતું હતું
વડોદરા,વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં માટીના ફેરા મારવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા પોલીસ કમિશનર પાસે અંદાજે ૧૫૦ ડમ્પરની પરમિશન લેવામાં આવી છે. સવારે અકસ્માત કરનાર ડમ્પર તે પૈકીનું જ એક છે. અગાઉ પણ ટ્રાફિક પોલીસ દ્વારા ડમ્પર ચાલકો સાથે મિટિંગ કરી પીક અવર્સ દરમિયાન સ્પીડ ઓછી રાખવાની સૂચના આપવામાં આવી હતી. આજે અકસ્માત પછી ફરીથી ટ્રાફિક પોલીસ દ્વારા મિટિંગ યોજીને સૂચના આપવામાં આવી છે.