વડોદરા,રાજમહેલ રોડ કંકુવાળાની ગલી નજીક દયાળ ભવનના ખાંચામાં રહેતા ૫૫ વર્ષના પ્રૌઢે પુત્ર અને પુત્રવધૂના ત્રાસથી કંટાળીને ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. મૃતકની બે દીકરીઓ વિદેશથી પરત આવ્યા પછી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે. હાલમાં મૃતદેહને કોલ્ડરૃમમાં મૂકવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રાજમહેલ રોડ દયાળભવનના ખાંચામાં રહેતા નીતિનભાઇ ગોપાલભાઇ પટેલ માંડવી વિસ્તારમાં શેરડીનું કોલુ ચલાવે છે. તેમનો પુત્ર ચૈતન્ય પણ તેમની સાથે શેરડીના કોલા પર જતો હતો. ગઇકાલે રામનવમી હોઇ નીતિનભાઇના પત્ની દિપીકાબેન નજીકના રામ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. તેઓ પરત ઘરે આવ્યા ત્યારે નીતિનભાઇએ આપઘાત કરી લીધો હતો. જે અંગે નવાપુરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો આવી હતી કે, નીતિનભાઇને તેમના પુત્ર ,પુત્રવધૂ તથા માતા – પિતા દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. જેનાથી કંટાળીને તેમણે આ પગલું ભર્યુ હતું. આપઘાત કરતા પહેલા તેમણે મોબાઇલમાં એક વીડિયો ઉતાર્યો હતો. દોઢ મિનિટના વીડિયોમાં તેમણે પરિવારના ત્રાસ અંગે જણાવ્યું હતું. જે વીડિયો તેમણે આપઘાત કરતા પહેલા બનેવી ઘનશ્યામભાઇ પટેલને મોકલી આપ્યો હતો. ઘનશ્યામભાઇએ આ વીડિયો પોલીસને બતાવ્યો હતો.
નીતિનભાઇની બે દીકરીઓ લંડન રહેતી હોઇ તેઓ વડોદરા આવવા નીકળી ગઇ છે. તેઓના આવ્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
તમે પ્રોપર્ટી આપી દો, ઘરની બહાર નીકળી જાવ
વડોદરા,ઘનશ્યામભાઇએ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, મારા બનેવીને પુત્ર અને પુત્રવધૂ ઉપરાંત તેના માતા પિતાનો પણ ત્રાસ હતો. તેઓ માનસિક હેરાન કરતા હતા. અમને પ્રોપર્ટી આપી દો. તમે ઘરની બહાર નીકળી જાવ. તેવું કહીને નોકરની જેમ રાખતા હતા. થોડા સમય પહેલા રાજસ્થંભ સોસાયટીમાં એક મકાન લીધું હતું. તેના રૃપિયા બાબતે પણ તેઓ નીતિનભાઇને ટોર્ચર કરતા હતા.
પતિ – પત્ની સાથે આપઘાત કરવાના હતા
વડોદરા,પુત્રએ ઘરમાં સીસીટીવી કેમેરા પણ ફિટ કરાવ્યા હતા. નીતિનભાઇ કોઇની સાથે મોબાઇલ પર વાત કરે તો પણ પૂછતા કે કોની સાથે વાત કરી ? તેઓ નોકરની જેમ રાખતા હતા. પુત્ર અને પુત્રવધૂના ત્રાસથી કંટાળીને નીતિનભાઇ અને તેમના પત્ની દિપીકાબેન પણ આપઘાત કરવાના હતા. પરંતુ, તે પહેલા જ નીતિનભાઇએ આપઘાત કરી લીધો હતો.