![]()
Diabetes BP cases in Ahmedabad : વર્લ્ડ ડાયાબિટીસ ડે(14 નવેમ્બર)ની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ મેડિકલ ઍસોસિએશન (AMA) દ્વારા એએમસી, ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન-સાઉથ ઇસ્ટ એશિયા અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન ઍસોસિએશનના સહયોગથી શહેરમાં પ્રથમવાર પબ્લિક હેલ્થ સ્ક્રિનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તપાસના પરિણામો ખૂબ જ ચિંતાજનક સામે આવ્યા છે, જેમાં દર ત્રણ વ્યક્તિમાંથી લગભગ એકને ડાયાબિટીસ અથવા હાઈ બ્લડ પ્રેશર હોવાનું જાણવા મળ્યું છે.
આ સામૂહિક આરોગ્ય તપાસ શહેરના 103 વિવિધ સ્થળોએ, જેમાં બગીચાઓ, એએમસીના આરોગ્ય કેન્દ્રો અને ખાનગી ક્લિનિક્સનો સમાવેશ થતો હતો, ત્યાં સવારના 7થી 8 વાગ્યા દરમિયાન યોજાઈ હતી. આ સ્ક્રિનિંગ કેમ્પમાં કુલ 2221 લોકોની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી.
ચોંકાવનારી વિગતો આપતા AMAના સૂત્રોએ જણાવ્યું કે, આ 2221 લોકોમાંથી 644 વ્યક્તિઓમાં (એટલે કે 29%) સુગર લેવલ વધારે જોવા મળ્યું હતું. જ્યારે 772 લોકોમાં (35%) હાઇ બીપીની સમસ્યા નોંધાઈ હતી. આમ, તપાસમાં ભાગ લેનાર 29થી 35 ટકા લોકો ડાયાબિટીસ કે બીપીની સમસ્યાથી પીડિત હોવાનું સ્પષ્ટ થયું હતું.
આટલા મોટા પાયે થયેલી તપાસમાં દર 3 વ્યક્તિએ એકનું પરિણામ પોઝિટિવ આવવું એ આરોગ્ય નિષ્ણાતો માટે ગંભીર ચિંતાનો વિષય છે. ડાયાબિટીસ અને બીપીના આ વધતા જતા વ્યાપ સામે તબીબોએ લોકોને જાગૃત થવા અપીલ કરી છે. ડૉક્ટરોના મતે, લોકોએ તાત્કાલિક પોતાની જીવનશૈલી અને આહારમાં સકારાત્મક ફેરફાર કરવાની જરૂર છે. આ સાથે જ, ભવિષ્યમાં પણ આ પ્રકારના વધુ પબ્લિક સ્ક્રિનિંગ થવા જોઈએ અને નાગરિકોએ પણ જાગૃત બનીને તેમાં સામેલ થઈ પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવવી જોઈએ.










