![]()
– અલ ફલાહ યુનિવર્સિટી અને ટ્રસ્ટ સામે એજન્સીની તવાઇ
– ઇસ્લામમાં આત્મહત્યા હરામ, પરંતુ બોમ્બિંગ યોગ્ય આતંકી ઉમરનો બ્લાસ્ટ પહેલાનો વીડિયો સામે આવ્યો
નવી દિલ્હી : દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા આત્મઘાતી વિસ્ફોટની તપાસમાં કેન્દ્રીય એજન્સી ઇડી પણ જોડાઇ છે, ઇડીએ દિલ્હી-એનસીઆરમાં અલ-ફલાહ યુનિવર્સિટી સાથે સંકળાયેલા ટ્રસ્ટી અને પ્રમોટર્સને ત્યાં આશરે ૩૦ જેટલા સ્થળે દરોડા પાડયા હતા. બીજી તરફ આ આતંકી વિસ્ફોટ પાછળ પાકિસ્તાનનો હાથ હોવાના પુરાવા સામે આવ્યા છે. જ્યારે વિસ્ફોટ માટે ખુદને બોમ્બ સાથે ઉડાવી દેનારા આરોપી ઉમર નબીનો ઘટના પહેલા બનાવાયેલો વીડિયો સામે આવ્યો છે.
લાલ કિલ્લા પાસે ૧૦ નવેમ્બરના રોજ થયેલા વિસ્ફોટમાં ૧૫ લોકોના મોત નિપજ્યા હતા. આ હુમલાને અંજામ આપવા માટે ઉમર નબીએ ખુદને એક કારમાં બોમ્બથી ઉડાવી દીધો હતો. જોકે આત્મઘાતી હુમલા પહેલા ઉમર નબીએ એક વીડિયો બનાવ્યો હતો, જેના પરથી તેની કટ્ટરવાદી માનસિકતા પણ સામે આવી છે. ઉમર આ વીડિયોમાં કહી રહ્યો છે કે ઇસ્લામમાં આત્મહત્યા હરામ છે પરંતુ બોમ્બિંગ મંજૂર છે. આશરે દોઢ મિનિટના અંગ્રેજી ભાષામાં બનાવેલા સેલ્ફી વીડિયોમાં ઉમર વધુમાં આત્મઘાતી હુમલા કરનારની માનસિક સ્થિતિ અંગે વાત કરતો જોવા મળ્યો હતો.
બીજી તરફ દિલ્હી વિસ્ફોટમાં પાકિસ્તાનનો હાથ હોવાના પુરાવા સાથેનો એક વીડિયો સામે આવ્યો છે જેની હાલ એજન્સીઓ દ્વારા તપાસ કરાઇ રહી હોવાના અહેવાલો છે. આ વીડિયોને એજન્સીઓએ મંગળવારે જ રિકવર કર્યો છે, એજન્સીઓનું માનવું છે કે આ વીડિયોમાં જે અવાજ છે તે ખરેખર શાહિદ ફૈસલનો છે. શાહિદ ફૈસલ બેંગલુરુના પ્રખ્યાત રામેશ્વરમ કેફે બ્લાસ્ટને અંજામ આપનારા મોડયુલનો ઓપરેટર છે. તે વર્ષ ૨૦૧૨માં સાઉદી અરબ ભાગી ગયો હતો અને હવે તે પાકિસ્તાનમાં સક્રિય છે. તેના પર ૧૦ લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર થઇ ચુક્યું છે. જે વીડિયો મીડિયાને હાથ લાગ્યો છે તેમાં ગુજરાત, કાશ્મીર, આસામ અને ભાગલપુુરનો બદલો લેવા માટે મુઝાહિદ્દીન તરફથી સતત હુમલાની ધમકી પણ અપાઇ છે.
નોંધનીય છે કે આ મામલામાં ૧૫થી વધુ કટ્ટરવાદી કે આતંકવાદ સાથે લિંક ધરાવતા ડોક્ટરોની એજન્સીઓ અને પોલીસ દ્વારા ધરપકડ કરીને પૂછપરછ કરાઇ હતી. આમા કેટલાક ડોક્ટરો અલ ફલાહ યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે. આ અલ ફલાહ યુનિવર્સિટી અને તેના ટ્રસ્ટ સાથે સંકળાયેલા આશરે ૩૦ જેટલા સ્થળોએ ઇડી દ્વારા દરોડા પડાયા હતા. આ મામલામાં હવાલા રેકેટ અને મની લોન્ડરિંગની પણ તપાસ થઇ રહી છે. અગાઉ એવા અહેવાલો હતા કે ત્રણ ડોક્ટરોને જૈશ દ્વારા ૨૫ લાખ રૂપિયા પહોંચાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત દિલ્હી બ્લાસ્ટમાં તમામ નાણાકીય લેતીદેતી અંગે પણ તપાસ ચાલી રહી છે. ઇડીએ અલ-ફલાહ ટ્રસ્ટના ઓખલા સ્થિત હેડક્વાર્ટર, યુનિવર્સિટી કેમ્પસ, સંચાલકોના ખાનગી આવાસ વગેરે સ્થળે તપાસ કરી હતી, જેમાં દિલ્હીનું જામિયા નગર, ઓખલા વિહાર અને ફરીદાબાદના સેક્ટર ૨૨ સ્થિત કેમ્પસનો સમાવેશ થાય છે. આ દરમિયાન દસ્તાવેજો, બેંક ખાતાની વિગતો, મોબાઇલ, ડિજિટલ ડિવાઇસ વગેરે જપ્ત કરી લેવાયા છે. ઇડીની આ કાર્યવાહીને ધ્યાનમાં રાખીને તમામ તપાસ સ્થળોની આસપાસ સુરક્ષા વધારી દેવાઇ છે.










