અમે લાયક છીએ,
અમને રોજગારી આપો..
યોગ અને અંગ કસરતના દાવની હકારાત્મક પ્રવૃતિથી સરકારને ફેર નહીં પડવાથી ભીખ માંગવાની નકારાત્મકાનું પ્રદર્શન કરાયું
ગાંધીનગર : પાટનગરમાં સત્યાગ્રહ છાવણી પર ન્યાયની માંગણી સાથે વિરોધ
પ્રદર્શન કરી રહેલા વ્યાયામ શિક્ષકો દ્વારા તેમનો અવાજ નિંભર સરકારના બહેરા કાન સુધીપહોંચાડવા
માટે મંગળવારે હાથમાં શકોરા લઇને ભીખ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આંદોલનકારીઓએ જણાવ્યું કે યોગ અને અંગ કસરતના દાવની હકારાત્મક પ્રવૃતિથી સરકારને
ફેર નહીં પડવાથી ભીખ માંગવાની નકારાત્મકાનું પ્રદર્શન કરવા માટે મજબુર બન્યા હતાં.
દોઢ દાયકાથી વ્યાયામ શિક્ષકોની ભરતી જ નહી કરવામાં આવ્યા
બાદ સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ખેલ સહાયક નામે ૧૧ માસના કરાર આધારિત કોઇ સલામતી
વગર નોકરીએ રાખવાની યોજના અમલી કરીને પ્રાથમિકથી લઇને માધ્યમિક અને ઉચ્ચત્તર
માધ્યમિક વિભાગના બાળકોની સાથે વ્યાયામ શિક્ષક તરીકેની કારકિર્દી ઘડવા માટે
બેચલરથી લઇને પીએચડી સુધીની ડિગ્રી મેળવ્યા બાદ સરકારી ખેલ અભિરૃચી કસોટીઓ પણ પાસ
કરી લેનારા હજ્જારો વ્યાયામ શિક્ષકોના ભવિસ્ય પર પૂર્ણ વિરામ મુકી દેવામાં આવ્યું
છે. તેમ જણાવતાં સત્યાગ્રહ કરી રહેલા વ્યાયામ શિક્ષકો દ્વારા ૨૩ દિવસથી વિરોધ
પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પરંતુ સરકાર દ્વારા કોઇ પ્રતિભાવ જ આપવામાં નહીં
આવતાં મંગળવારે ભીખ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. ઉમેદવારોએ અમે લાયક છીએ, અમને રોજગારી આપો
તેવા નારા લગાવ્યા હતાં. આ પહેલા સોમવારે વિરોધ પ્રદર્શ દરમિયાન ઉમેદવારો દ્વારા
તેમની ડિગ્રીઓ વેચવા કાઢવામાં આવી હતી અને ગત રવિવારે સરકારને સદબુદ્ધિ આપવાની
માંગણી કરતો પત્ર ભગવાન શ્રીરામને પાઠવવામાં આવ્યો હતો. આ સાથે જ્યાં સુધી સરકાર
દ્વારા હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રખાશે તેમ જણાવ્યુ
હતું.