Donald Trump May Faces Insider Trading: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના બેબાક નિર્ણયો અને નિવેદનોના કારણે સતત વિવાદોમાં રહે છે. ગઈકાલે તેમણે 180 દેશો પર ટેરિફ લાગુ કરવાનો નિર્ણય 90 દિવસ માટે મોકૂફ રાખતાં પહેલાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સ્ટોક માર્કેટ સંબંધિત નિવેદન આપતાં જ મુસીબતમાં મુકાયા છે. તેમના પર વિપક્ષ દ્વારા ઈનસાઈડર ટ્રેડિંગનો ગંભીર આરોપ મૂકાયો છે.
શું હતો મામલો?
ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે સવારે સ્ટોક માર્કેટ ખૂલતાં પહેલાં જ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ શેર કરી રોકાણકારોને સલાહ આપી હતી કે, ‘ખરીદી કરવાનો આ ઉત્તમ સમય છે, DJT.’ ઉલ્લેખનીય છે, DJT એ ટ્રમ્પની મીડિયા એન્ડ ટેક્નોલોજી કંપની છે. તેમણે અમેરિકન્સને પોતાની જ મીડિયા કંપનીનું ટિકર સિમ્બોલ મૂકી માર્કેટમાં રોકાણ કરવા સલાહ આપતાં ભરાઈ ગયા હતાં. ટ્રમ્પે આ માહિતી ટેરિફનો અમલ 90 દિવસ સુધી મોકૂફ રાખવાના નિર્ણયને આધિન કર્યો હોવાનો અમેરિકાની ડેમોક્રેટ્સ પાર્ટીએ આરોપ મૂક્યો છે.
DJTની વેલ્યૂ ચાર લાખ કરોડ ડોલર વધી
ટ્રમ્પની પોસ્ટ બાદ DJTની વેલ્યૂ 4 લાખ કરોડ વધી હતી. જેના લીધે ડેમોક્રેટિક પાર્ટીના સેનેટર એડમ શીફે ડોનાલ્ડ ટ્રમ્પ પર ઈનસાઈડર માર્કેટિંગ અને માર્કેટમાં ગેરરીતિ સર્જી હોવાનો આરોપ મૂકતાં ઈનસાઈડર ટ્રેડિંગની તપાસ કરવાની માગ કરી છે. વધુમાં ટ્રમ્પે ફેમિલી મીમ કોઈન અને અન્ય ઘણાં પર ઈનસાઈડર ટ્રેડિંગ કર્યું હોવાનો દાવો પણ કર્યો છે.
માર્કેટમાં 17 વર્ષમાં સિંગલ ડે મોટો ઉછાળો
ટ્રમ્પે ચીન સિવાય 180 દેશો પર લાગુ કરેલો ટેરિફ 90 દિવસ સુધી મુલતવી રાખવાની જાહેરાત કરતાં જ શેરબજારમાં આકર્ષક ઉછાળો નોંધાયો હતો. નેસડેક 2008 બાદથી પ્રથમ વખત સિંગલ ડે સૌથી વધુ 12 ટકા સુધી ઉછળ્યો હતો. એસએન્ડપી 500 9.5 ટકા જ્યારે ડાઉ જોન્સ 8 ટકા (2800 પોઈન્ટ) ઉછળ્યો હતો. ટ્રમ્પની મીડિયા કંપની DJTનો શેર 22.67 ટકા ઉછળ્યો હતો. જેમાં ટ્રમ્પ 53 ટકા હિસ્સો ધરાવે છે. વધુમાં ટ્રમ્પ સરકારના લોકપ્રિય ઈનસાઈડર ઈલોન મસ્કની ટેસ્લા કંપનીનો શેર પણ 22.69 ટકા ઉછાળા સાથે બંધ રહ્યો હતો.
ટ્રમ્પની સરકારે બચાવ કર્યો
ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે આ વિવાદ બાદ બચાવ પક્ષમાં દલીલ કરી હતી કે, ટ્રમ્પ ફક્ત લોકોને આશાવાન રહેવા માટે સલાહ આપી રહ્યા હતાં. તેમણે અમેરિકાને મહાન દેશ કહ્યો છે. જેથી મહાન દેશમાં અદ્ભૂત ચીજો અને ગ્રોથ પ્રત્યે આશાવાદી રહેવાની સલાહ આપી છે.