Vadodara : વડોદરાના માંજલપુર સ્પંદન સર્કલ પાસે ગેસ લીકેજ શોધતી વખતે પાણીની લાઈન તૂટી જવાથી લીકેજ થયેલી લાઈનના કારણે સતત એક કલાક સુધી પાણીના ફુવારા સતત ઉડતા રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ ગેસ લાઇન લીકેજને કારણે લાગેલી ભીષણ આગમાં ચાર દુકાનો મળીને ખાક થઈ હતી.
માંજલપુર સ્પંદન સર્કલ પાસે બે દિવસ અગાઉ ગેસ લાઇન લીકેજ થવાના કારણે ભીષણ આગ લાગી હતી. આગના કારણે ચાર દુકાનો બળીને ખાક થઈ ગઈ હતી. આગના બનાવ બાદ ગેસ કંપનીમાંથી ગેસ લીકેજ શોધી રિપેર કરવા માટે બીજા દિવસે ટીમ આવી હતી. પરંતુ તેમની પાસે કોઈ યોગ્ય માહિતી નહીં હોવાથી છ થી સાત જગ્યાએ ગેસ લીકેજ શોધવા ખાડા કરી નાખ્યા હતા. પરિણામે એક જગ્યાએથી પાણીની લાઈન તૂટી ગઈ હતી. પરિણામે નિયત સમયે પાણી આવતા લીકેજની જગ્યાએથી ઊંચે સુધી પાણીના ફુવારા ઉડવા માંડ્યા હતા. આ ફુવારા એકાદ કલાક જેવા ઉડતા રહેવાથી વિસ્તારમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયું હતું અને આસપાસની દુકાનોવાળાને પીવાના પાણીની ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ પાલિકાની ટીમ બપોર સુધી પાણીની લાઈન રીપેરીંગ કરવા આવી નથી.