![]()
Rajya Sabha Election Equation: વર્ષ 2025 હવે અલવિદા લઈ રહ્યું છે અને નવું વર્ષ 2026 દસ્તક માટે તૈયાર છે. ભારતના રાજકારણની દ્રષ્ટિએ 2026ને ચૂંટણી વર્ષ તરીકે જોવાઈ રહ્યું છે. દક્ષિણ ભારતમાં કેરળ અને તમિલનાડુથી લઈને પૂર્વોત્તરમાં આસામ અને બંગાળ સહિતના પાંચ રાજ્યોમાં ચૂંટણીના બ્યૂગલ ફૂંકાશે. આ ઉપરાંત ઉત્તર ભારતના ઉત્તર પ્રદેશ અને બિહારમાં રાજ્યસભાની ચૂંટણી પણ અનેક પાર્ટીઓની પરીક્ષા લેશે. રાજનીતિના કાવાદાવા વચ્ચે વર્ષ 2026માં રાજ્યસભાની તસવીર બદલતી દેખાશે. વર્ષ 2026માં એપ્રિલથી માંડીને જૂન અને નવેમ્બર સુધી 75 રાજ્યસભા બેઠકો પર ચૂંટણી થશે જેમાં બિહારની પાંચ ઉત્તર પ્રદેશની 10 રાજ્યસભા બેઠક સામેલ છે. 2026 રાજ્યસભાની ચૂંટણી NDA અને INDI ગઠબંધન બંને માટે અનેક પડકારો લઈને આવશે.
કયા દિગ્ગજ નેતાનું પત્તું કપાશે?
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ પ્રધાનમંત્રી એચ ડી દેવગૌડા ઉપરાંત દિગ્વિજય સિંહ, શરદ પવાર અને ઘણા કેન્દ્રીય મંત્રી જેવા કે હરદીપસિંહ પૂરી, બીએલ વર્મા, રવનીત સિંહ બિટ્ટુ, જોર્જ કુરિયન જેવા જૂના જોગીઓનો રાજ્યસભા કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. એવામાં જોવું રહ્યું કે કયા દિગ્ગજ નેતાનું પત્તું કપાશે અને કયા નવા ચહેરાની સંસદમાં એન્ટ્રી થશે.
ક્યાં કેટલી બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી?
ઉત્તર પ્રદેશમાં 10 રાજ્યસભાની બેઠકો છે જે નવેમ્બર સુધી ખાલી થશે તે ઉપરાંત મધ્ય પ્રદેશ, આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર અને મિઝોરમ જેવા ઉતર પૂર્વીય રાજ્યોમાં પણ ચૂંટાઈને આવેલા કેટલાક સભ્યોનો સમય સમાપ્ત થઈ રહ્યો છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ એક એક રાજ્યસભાની બેઠક ખાલી થઈ રહી છે. આ ઉપરાંત રાજસ્થાન અને છત્તીસગઢમાં રાજ્યસભાની બેઠકો ખાલી પડશે.
રાજ્યસભામાં હાલનું ગણિત કેવું?
હાલ સમીકરણ મુજબ સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં NDA પાસે 129 બેઠકો છે જ્યારે વિપક્ષ પાસે 78 બેઠકો છે. આ કારણે રાજ્યસભામાં શક્તિ પ્રદર્શન અને બહુમતી માટે આવનાર ચૂંટણીઓ ખૂબ જ અગત્યની છે. આ ચૂંટણીથી ખબર પડશે કે રાજ્યસભામાં કઈ પાર્ટીનો દબદબો રહેશે.
બિહારમાં બાજી ફરી
બિહારમાં પ્રેમ ચંદ ગુપ્તા(RJD), અમરેન્દ્ર ધારી સિંહ (RJD), હરિવંશ નારાયણ સિંહ(JDU), કેન્દ્રીય મંત્રી રામનાથ ઠાકુર અને રાષ્ટ્રીય લોક મોરચાના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા, જો સમીકરણ પર નજર કરીએ તો બિહાર વિધાનસભા ચૂંટણી બાદ રાજ્યસભાનું ગણિત બદલાઈ ગયું છે. રાજ્યસભાની એક બેઠક માટે 41 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. આ મુજબ ભાજપ અને જેડીયું બે બે બેઠકો જીતી શકે છે તો એક બેઠક વિપક્ષના ખાતે થઈ શકે છે. ભાજપ તરફથી રાજ્યસભા માટે ઘણા દાવેદારો થનગની રહ્યા છે તેવામાં ઉપેન્દ્ર કુશવાહાની રાજ્યસભા બેઠક પર સંકટ ઘેરું થયું છે.
મહારાષ્ટ્રમાં મુશ્કેલ
મહારાષ્ટ્રમાં 7 બેઠકો ખાલી થશે જે માટે શરદ પવાર (NCP-SP), પ્રિયંકા ચતુર્વેદી (શિવસેના ઉદ્ધવ ઠાકરે) અને કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે જેવા મોટા ગજાના નેતાઓનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. 2024 બાદ મહારાષ્ટ્રમાં પણ રાજ્યસભાનું ગણિત બદલાઈ ચૂક્યું છે. જે પછી શરદ પવાર અને પ્રિયંકા ચતુર્વેદીની સંસદમાં ફરી આવવા પર ગ્રહણ લાગી શકે છે. મહારાષ્ટ્રમાં ભાજપ તેમજ સમર્થિત પાર્ટીઓ 6 બેઠક કબજે કરી શકે છે તો બીજી તરફ વિપક્ષ માત્ર એક બેઠક પૂરતું સીમિત થઈ શકે ત્યારે શું કોંગ્રેસ તેના નેતાને રાજ્યસભા મોકલશે કે પછી શરદ પવાર કે ઉદ્વવની પાર્ટીને સમર્થન આપશે.
કર્ણાટકમાં કમળને તકલીફ
કોંગ્રેસ અધ્યક્ષ ખડગે કર્ણાટકથી રાજ્યસભાના સાંસદ છે તેમનો કાર્યકાળ 25 જૂન 2026ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. ખડગે સાથે પૂર્વ વડાપ્રધાન એચડી દેવગોડા પણ નિવૃત થઈ રહ્યા છે તે પણ કર્ણાટકથી છે. કર્ણાટકમાં ચાર રાજ્યસભાની બેઠકો છે જેમાંથી ત્રણ બેઠકો કોંગ્રેસ જીતી શકે છે તો એક ભાજપના ફાળે જઈ શકે છે ત્યારે જોવું રહ્યું કે ભાજપ કોઈ નેતાને રાજ્યસભા મોકલે છે કે પછી જેડીએસને સમર્થન આપે છે.
ઉત્તર પ્રદેશની આંટીઘૂંટી
ઉત્તર પ્રદેશના મોદી સરકારના બે મંત્રીઓ, હરદીપ સિંહ પુરી અને બીએલ વર્મા પણ નિવૃત્ત થઈ રહ્યા છે. તેમનો કાર્યકાળ 25 નવેમ્બર, 2026 ના રોજ સમાપ્ત થાય છે. તેમની સાથે, ઉત્તર પ્રદેશના 8 વધુ સભ્યો પણ નિવૃત્ત થશે. આ 10 બેઠકોમાંથી 8 ભાજપ પાસે છે, એક-એક સમાજવાદી પાર્ટી (એસપી) અને એક-એક બસપા પાસે છે. 2026માં નિવૃત્ત થનારા રાજ્યસભાના સાંસદોમાં બ્રિજલાલ, સીમા દ્વિવેદી, ચંદ્રપ્રભા ઉર્ફે ગીતા, હરદીપ સિંહ પુરી, રામજી, દિનેશ શર્મા, નીરજ શેખર, અરુણ સિંહ અને બીએલ વર્માનો સમાવેશ થાય છે. પ્રોફેસર રામગોપાલ યાદવ સમાજવાદી પાર્ટીના છે. રાજ્યસભાની એક બેઠક માટે 37 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. આ ગણતરીના આધારે, સપા રાજ્યસભાની 2 બેઠકો જીતી શકે છે, જ્યારે ભાજપ 8 બેઠકો જીતી શકે છે. રાજ્યસભામાં બસપા શૂન્ય પર સમેટાઈ શકે છે.
આ પણ વાંચો: 2026માં AIને લઈને ખતરનાક ભવિષ્યવાણી : પ્રાઇવસીથી લઈને વિશ્વના દરેક દેશ પર વિવિધ સંકટ આવી શકે છે, જુઓ…
અન્ય રાજ્યોમાં રાજ્યસભાના હાલ
કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ પણ 21 જૂન, 2026 ના રોજ નિવૃત્ત થશે. બંને નેતાઓ મધ્યપ્રદેશના રાજ્યસભા સભ્ય છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા રવનીત સિંહ બિટ્ટુ પણ નિવૃત્ત થવાના છે. ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક સભ્ય શિબુ સોરેનના નિધનથી રાજ્યસભા બેઠક પહેલાથી જ ખાલી થઈ ગઈ છે. આંધ્રપ્રદેશના સના સતીશ બાબુ (ટીડીપી), અને વાયએસઆરસીપીના નેતાઓ અયોધ્યા રામી રેડ્ડી અને પિલ્લી સુભાષ પણ નિવૃત્ત થઈ રહ્યા છે, જ્યારે તેલંગાણાના વરિષ્ઠ વકીલ અને કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવી તેમનો કાર્યકાળ પૂર્ણ કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાંથી રાજ્યસભાના પાંચ સભ્યો નિવૃત્ત થશે, જેમાં સાકેત ગોખલેનો પણ સમાવેશ થાય છે. તમિલનાડુમાંથી છ નેતાઓ નિવૃત્ત થશે, જેમાં ભૂતપૂર્વ નાયબ લોકસભા સ્પીકર થંબી દુરાઈ અને તિરુચી શિવનો પણ સમાવેશ થાય છે. આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર અને મિઝોરમ જેવા પૂર્વોત્તર રાજ્યોના સભ્યો પણ નિવૃત્ત થવાના છે. ઉત્તરાખંડમાંથી નરેશ બંસલ અને હિમાચલ પ્રદેશમાંથી ઇન્દુ બાલા ગોસ્વામી આવતા વર્ષે નિવૃત્ત થઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત સભ્યોમાં, ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈનો કાર્યકાળ માર્ચ 2026માં સમાપ્ત થાય છે.










