India-New Zealand Free Trade Agreement : અમેરિકા દ્વારા ટેરિફને લઈને ઊભા કરાયેલા અવરોધો સામે ભારતે હવે પોતાની વ્યાપાર રણનીતિ બદલી છે. અમેરિકા પરની નિર્ભરતા ઘટાડવા અને ભારતીય ઉત્પાદનોની નિકાસ વધારવા માટે ભારત હવે અન્ય દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) કરી રહ્યું છે. તાજેતરમાં યુકે અને ઓમાન બાદ હવે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પણ મહત્ત્વની વ્યાપાર સંધિ થઈ છે. આ ડીલને કારણે વિદેશી ચીજવસ્તુઓ સસ્તી થશે અને બંને દેશો વચ્ચે વ્યાપાર સંતુલન જળવાશે.

કીવીના ભાવમાં મોટા ઘટાડાની શક્યતા
ન્યુઝીલેન્ડ સાથેની આ ડીલ બાદ સૌથી વધુ ચર્ચા કીવી ફળની થઈ રહી છે. અત્યારે ભારતના બજારમાં એક નંગ કીવીની સરેરાશ કિંમત 50 રૂપિયા કે તેથી વધુ છે, જે સામાન્ય માણસ માટે મોંઘું છે. હાલમાં ભારત પોતાની જરૂરિયાતનું માત્ર 5 ટકા કીવી જ ન્યુઝીલેન્ડથી મંગાવે છે, જેનું મુખ્ય કારણ તેના પર લાગતી 33 ટકા જેટલી ઊંચી ઈમ્પોર્ટ ડ્યુટી છે. જોકે, નવા એગ્રીમેન્ટ મુજબ આ ટેક્સ ઘટાડીને 0 ટકા કરી દેવામાં આવશે.
આ પણ વાંચો : 13 હજાર કરોડના ડ્રગ્સ મામલે મોટી કાર્યવાહી, ઋતિક બજાજને દુબઈથી ભારત લવાયો
વ્યાપાર સંધિની મુખ્ય વિગતો
ન્યુઝીલેન્ડથી આયાત થતા કીવી ઉપરાંત ઊન, લાકડું અને ડ્રાય ફ્રૂટ્સ જેવા કૃષિ ઉત્પાદનો પરનો ટેક્સ પણ નાબૂદ કરવામાં આવશે. શરૂઆતના તબક્કે 6,250 ટન કીવીની આયાત ડ્યુટી ફ્રી રાખવામાં આવી છે, જે આગામી વર્ષોમાં વધારીને 15,000 ટન સુધી લઈ જવામાં આવશે. ઈમ્પોર્ટ ટેક્સ નાબૂદ થવાથી હોલસેલ અને રિટેલ કિંમતોમાં ઘટાડો થશે. અર્થશાસ્ત્રીઓના મતે, ન્યુઝીલેન્ડના કીવીના ભાવમાં 20 થી 30 ટકા સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. આ ડીલ દ્વારા ભારત પોતાના એક્સપોર્ટને નવી ઊંચાઈ પર લઈ જવા માંગે છે જેથી વૈશ્વિક બજારમાં અમેરિકાના ટેરિફની ખાસ અસર ન પડે અને ભારતીય ગ્રાહકોને પણ ગુણવત્તાયુક્ત વિદેશી ફળો વ્યાજબી ભાવે મળી રહે.
આ પણ વાંચો : VIDEO: ‘અહીં રહેવું હોય તો હિન્દી શીખો…’, વિદેશી ફૂટબોલરને ધમકી આપનારા ભાજપ કાઉન્સિલરે માફી માગી










