![]()
અમદાવાદ,બુધવાર,24
ડિસેમ્બર,2025
અમદાવાદના હયાત સુભાષબ્રિજને ૨૫ ડિસેમ્બર સુધી તમામ
પ્રકારની અવરજવર માટે બંધ કરાયો છે.બ્રિજ બંધ કરાયા પછી કોઈપણ જાતનુ સમારકામ કરાયુ
નથી.આ પરિસ્થિતિમાં હયાત બ્રિજને તોડવો કે તેનુ રીપેરીંગ કરાવવુ તે અંગેનો અંતિમ
નિર્ણય સીએમઓ તરફથી કરવામા આવશે એમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ
છે.ફેબુ્આરી મહિનામા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી આવી રહી છે. ઉપરાંત
કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ને લઈને કરોડો રૃપિયાના આયોજન જાહેર થઈ ગયા છે. આ
પરિસ્થિતિમાં બ્રિજને લઈ કોઈ મોટો ઉહાપોહ થાય તેને ધ્યાનમા લઈ ભાજપ બ્રિજ તોડવાના
મૂડમાં નથી.હયાત સુભાષબ્રિજને રીપેર કરી તેને રીક્ષા, સ્કૂટર જેવા
વાહનો માટે ઉપયોગમા લેવાના વિકલ્પ ઉપર વિચારણા ચાલી રહી છે.
૪ ડિસેમ્બરે સુભાષબ્રિજ ઉપર તિરાડ જોવા મળતા તેને બંધ
કરવાનો નિર્ણય લેવાયો હતો.જે પછી કોર્પોરેશન ઉપરાંત એમ પેનલ, આઈઆઈટી રુરકી, આઈઆઈટી મુંબઈ
તેમજ સુરત સ્થિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી સહિતની સંસ્થા
દ્વારા બ્રિજ ઉપર તથા નદીના ભાગમા વિવિધ પ્રકારનુ ઈન્સપેકશન કર્યુ હતુ.આ તમામ
ઈન્સપેકશનના રીપોર્ટ સાથે ગાંધીનગર ખાતે પ્રેઝન્ટેશન પણ કરવામા આવ્યુ હતુ.હયાત
બ્રિજના એક સ્પાનમાં તિરાડ પડી હોવાથી બ્રિજ ઉપરનો કેટલોક ભાગ બેસી જતા ૨૧ દિવસથી
બ્રિજ ઉપર તમામ અવરજવરને બંધ કરવામા આવી છે.અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર,બ્રિજ પ્રોજેકટ
વિભાગના અધિકારીઓ રાજય સરકારના આરએન્ડ બી વિભાગ સાથે સંપર્કમાં છે.૧૯૭૩માં
બનાવવામા આવેલ આ સુભાષબ્રિજને તોડી પાડવા એક લોબી દ્વારા દબાણ કરાઈ રહયુ હોવાનુ
આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.એક વાત એ પણ સામે આવી છે કે, સુભાષબ્રિજ નીચે
સાબરમતી નદીનુ પાણી રોકવા માટેના દરવાજા પણ આવેલા છે. આ તમામ પરિસ્થિતિને ધ્યાનમા
લઈ બ્રિજ કેટલા સમય સુધી બંધ રાખવો,
તેનુ સમારકામ કરવુ કે તોડી પાડવો તેનો નિર્ણય હવે સરકાર કરશે.
હયાત બ્રિજ ઉપર ૧.૬૦ કિ.મી.નવો બ્રિજ બનાવવા વિચારણા
હયાત સુભાષબ્રિજની ઉપર ૧.૬૦ કિલોમીટર લાંબો નવો બ્રિજ
બનાવવા અંગે વિચારણા કરાઈ રહી છે.આરટીઓ સર્કલથી શાહીબાગ પોલીસ સ્ટેડિયમ સુધી આ નવો
બ્રિજ બનાવવા વિચારાઈ રહયુ છે. નવા બ્રિજની બે પાંખ પૈકી એક પાંખ પોલીસ સ્ટેડિયમ
તરફ ઉતારાશે એમ અધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. આ બ્રિજ તૈયાર થઈ જાય પછી
તેના ઉપરથી ભારે વાહનો પસાર કરવામા આવશે.
રબર કમ બેરજ બ્રિજ એપ્રિલ-૨૭ સુધીમાં તૈયાર થઈ જશે
સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ અંતર્ગત રુપિયા ૩૬૭ કરોડથી વધુના
ખર્ચથી રબર કમ બેરેજ બ્રિજ બનાવાઈ રહયો છે. આ બ્રિજ સાબરમતી અચેરથી કેમ્પ સદર બજાર
સુધીના વિસ્તારોને સાંકળી લેશે.સુભાષબ્રિજનો ઉપયોગ કરવામા ના આવે તો પણ ૨૫થી ૩૦ મિનીટમાં
એરપોર્ટ સુધી લોકો સરળતાથી પહોંચી શકશે.
બ્રિજ તોડવાનો નિર્ણય લેવાય તો લોકો સોશિયલ મિડીયામા તુટી
પડે એવો ડર
કોર્પોરેશનની ચૂંટણી અગાઉ હવે થોડો સમય બાકી રહયો છે. આ
અગાઉ સુભાષબ્રિજ તોડવાનો નિર્ણય કરાય તો શહેરીજનો સોશિયલ મિડીયામા તેમના આક્રોશ
સાથે તૂટી પડે તેવો ભાજપના નેતાઓમા અંદરખાને ડર જોવા મળે છે.બીજુ કે સુભાષબ્રિજ
અમદાવાદની મેઈન એન્ટ્રીમા આવેલો છે. આ બાબતથી પણ બ્રિજને લઈ નિર્ણય જાહેર કરવામા
વિલંબ કરાઈ રહયો છે.










