નર્મદા પરિક્રમા પૂર્ણ કરી સુરત નાના ભાઈને ત્યાં રહેવા આવ્યા હતા : ભાઈની દુકાનેથી તેના મિત્ર સાથે બાઈક પર સંબંધીને ત્યાં જમવા જતા હતા ત્યારે લાભેશ્વર પાસે મોપેડ ચાલક અચાનક આગળ આવતા ઠપકો આપ્યો હતો : વૃદ્ધ અને તેમના ભાઈ બાઈક પર નીકળ્યા પછી ચાલુ બાઈકે તરૂણે કમરમાં ચપ્પુ હુલાવી દીધું
સુરત/ રાજકોટ : નર્મદા પરિક્રમા પૂર્ણ કરી સુરત નાના ભાઈને ત્યાં રહેવા આવેલા ઉપલેટાના મોટીપાનેલીના વૃદ્ધની સુરતના વરાછા લાભેશ્વર વિસ્તારમાં મોપેડ એકાએક આગળ લાવનાર તરૂણને ઠપકો આપી તમાચો માર્યા બાદ ચપ્પુ મારીને તરૂણે હત્યા કરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી 16 વર્ષના તરૂણની અટકાયત કરી તેના રત્નકલાકાર મિત્રની ધરપકડ કરી છે.
મૂળ રાજકોટ ઉપલેટા મોટીપાનેલી ગામના વતની અને સુરતમાં સરથાણા જકાતનાકા વ્રજચોક પાસે વ્રજભૂમિ સોસાયટી સેક્ટર 1 પ્લોટ નં. B/6, 507 માં રહેતા 58 વર્ષીય ભરતભાઇ દયારામભાઇ નિમાવત વરાછા ત્રિકમનગર સ્વસ્તિક સોસાયટી રાધાકૃષ્ણ મંદિર પાસે જય કમલાદે નામથી ચૂંદડીની દુકાન ધરાવે છે.વતનમાં રહેતા તેમના મોટાભાઈ જયેશભાઈ (ઉ.વ. 59 ) નર્મદા પરિક્રમા પૂર્ણ કરીને 10 દિવસ અગાઉ તેમના ઘરે રહેવા આવ્યા હતા.ગતરાત્રે ભરતભાઈ અને મિત્ર સુરેન્દ્રભાઈ ચાવડા દુકાને હાજર હતા ત્યારે જયેશભાઇ ફરતા ફરતા ત્યાં આવ્યા હતા.થોડીવાર બાદ આઠેક વાગ્યાના અરસામાં દુકાન બંધ કરીને ત્રણેય એક જ બાઈક ઉપર ઘરે જવા નીકળ્યા હતા.જયેશભાઈને લાભેશ્વરમાં એક સંબંધીને ત્યાં જમવાનું આમંત્રણ હોય તેઓ વર્ષા સોસાયટીના માર્કેટવાળા રોડ પરથી પસાર થતા હતા ત્યારે જાનકી જવેલર્સ પાસે મોપેડ (નં.GJ-05-SX 3017 ) ઉપર બે અજાણ્યા અચાનક તેમની બાઈકની આગળ આવતા જયેશભાઈએ તેમને ઠપકો આપ્યો હતો.
આથી મોપેડ ચાલક અને તેની પાછળ બેસેલાએ ગાળાગાળી કરતા ભરતભાઈએ બાઈક ઉભી રાખી હતી.ત્યારે જયેશભાઇ અને સુરેન્દ્રભાઇ ઉતરીને મોપેડ પાસે ગયા હતા અને ત્યાં ફરી ઝઘડો થતા જયેશભાઈએ મોપેડ ચાલકને થપ્પડ મારી દીધી હતી.બાદમાં ભરતભાઈ, જયેશભાઇ અને સુરેન્દ્રભાઇ બાઈક પર બેસી નીકળ્યા ત્યારે થોડે દૂર મોપેડ પર પાછળ આવતા બંને પૈકી ચાલકે જયેશભાઈને ચાલુ બાઈકે કમરમાં ચપ્પુ માર્યું હતું અને પાછળ બેસેલાએ ગાળો બોલતા કહ્યું હતું કે મારી જ નાંખજે, જીવતો ન રહેવો જોઈએ.બાદમાં તેઓ ભાગી ગયા હતા.જયેશભાઈએ મને કશું માર્યું છે તેમ કહી બાઈક રોકાવી હતી.ભરતભાઈએ જોયું તો જયેશભાઈના પીઠના પાછળના ભાગેથી લોહી નીકળતું હતું.તેમને તરત 108 માં સારવાર માટે કિરણ હોસ્પિટલમાં લઈ ગયા હતા.પણ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતા દોડી ગયેલી વરાછા પોલીસે ભરતભાઇની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી મોપેડ ચાલક 16 વર્ષના તરૂણની અટકાયત કરી હતી.જયારે તેની સાથે હત્યામાં સામેલ તેના રત્નકલાકાર મિત્ર ગૌતમ ગોહિલની ધરપકડ કરી હતી.ચપ્પુ મારનાર 16 વર્ષના તરૂણના પિતા એમ્બ્રોઈડરીનું કારખાનું ધરાવે છે અને તે કાપોદ્રા વિસ્તારમાં રહે છે.વધુ તપાસ પીઆઈ આર.બી.ગોજીયા કરી રહ્યા છે.