Stock Market Today: શેરબજારમાં આજે પણ ટેરિફ વૉરમાં 90 દિવસની રાહતની સકારાત્મક અસર જોવા મળી હતી. સેન્સેક્સ 1694 પોઈન્ટના ઉછાળા સાથે ખૂલ્યા બાદ થોડી જ ક્ષણોમાં 1750.37 પોઈન્ટ ઉછળી 76907.63ના લેવલે પહોંચ્યો હતો. સાર્વત્રિક લેવાલીના માહોલ વચ્ચે રોકાણકારોની મૂડીમાં આજે 9 લાખ કરોડ રૂપિયા વધી હતી.
નિફ્ટી 23000 ક્રોસ
નિફ્ટી50એ આજે 2 ટકાથી વધુ ઉછાળો નોંધાવી 23000નું અત્યંત મહત્ત્વની ટેકાની સપાટી ક્રોસ કરી રોકાણકારોમાં તેજીની આશાનું કિરણ દિપાવ્યું છે. 10.30 વાગ્યે નિફ્ટી 483.05 પોઈન્ટ ઉછળી 23311.60 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ 1590.24 પોઈન્ટના ઉછાળા સાથે 76747.50 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ
બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3865 સ્ક્રિપ્સ પૈકી 3073 સુધારા તરફી અને 567 સ્ક્રિપ્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહી હતી. 278 શેરમાં અપર સર્કિટ વાગી હતી. સેન્સેક્સ પેકમાં સામેલ 30 સ્ક્રિપ્સ પૈકી 28માં 6 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. જ્યારે માત્ર નેસ્લે 0.04 ટકા અને હિન્દુસ્તાન યુનિલીવરનો શેર 0.67 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. ઈન્સડઈન્ડ બેન્કનો શેર 6.28 ટકા, ટાટા મોટર્સ 4.70 ટકા, એલએન્ડટી 4.51 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 4.07 ટકા, અદાણી પોર્ટ્સ 3.96 ટકા ઉછાળા સાથે ટોપ 5 ગેનર રહ્યા છે.
સ્મોલકેપ અને મીડકેપમાં કમાણી
સ્મોલકેપ અને મીડકેપમાં પણ ઘણા સમય બાદ રોકાણકારોને કમાણી થતી જોવા મળી છે. આજે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 1105 પોઈન્ટ અને મીડકેપ 779.68 પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. સેમીકંડક્ટર ચીપ્સ પર ટેરિફ મુદ્દે આ સપ્તાહે ટ્રમ્પ નિર્ણય લેવાના છે, જેને ધ્યાનમાં રાખતાં ઓટો શેર્સમાં પણ તેજી જોવા મળી છે. સેક્ટોરલ ઈન્ડેક્સમાં ઓટો 3.36 ટકા, રિયાલ્ટી 4.82 ટકા, કેપિટલ ગુડ્સ 3.23 ટકા, બેન્કિંગ 2.28 ટકા, ફાઈનાન્સિયલ 2.48 ટકા, ટેલિકોમ 2.12 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે.
શેરબજારમાં ઉછાળાના કારણો
– ટેરિફમાં 90 દિવસની રાહતથી અમેરિકા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વેપાર ઉકેલોની સંભાવના વધી
– ટેરિફવૉરના કારણે અમેરિકામાં ફુગાવો વધવાની વકી સાથે ફેડ રિઝર્વનું હોકિશ વલણ
– ડોલર ઈન્ડેક્સ બે વર્ષના તળિયે, યુએસ બોન્ડ માર્કેટ પણ કડડભૂસ થતાં વિદેશી રોકાણ વધવાની વકી
– સ્થાનિક સ્તરે આરબીઆઈ દ્વારા ફુગાવો કાબૂમાં રહેવાની સાથે પોઝિટિવ અર્થતંત્રનો આશાવાદ