– અલ્લાહાબાદ હાઇકોર્ટના વધુ એક જજની ટિપ્પણીની સુપ્રીમે નોંધ લીધી
– આરોપીના જામીન મંજૂર કરવા હોય તો કરો પરંતુ રેપ પીડિતા અંગે ટિપ્પણી કરતા વધુ સતર્ક રહો : સુપ્રીમની જજને સલાહ
નવી દિલ્હી : અલ્લાહાબાદ હાઇકોર્ટના એક જજ દ્વારા રેપના કેસમાં વાંધાજનક ટિપ્પણી કરાઇ હતી જેની સુપ્રીમ કોર્ટ દ્વારા સુઓમોટો સુનાવણી ચાલી રહી છે, એવામાં આ જ હાઇકોર્ટના વધુ એક જજના વાંધાજનક અવલોકનની સુપ્રીમ કોર્ટે નોંધ લીધી હતી અને સવાલ કર્યો હતો કે રેપ પીડિતાએ જાતે જ મુશ્કેલી નોતરી હતી તેનો શું મતલબ થાય? કેમ જજે આ પ્રકારનું અવલોકન કર્યું?
અલ્લાહાબાદ હાઇકોર્ટમાં રેપના આરોપી દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી, જેને મંજૂર કરતી વખતે હાઇકોર્ટના જજે અવલોકન કરતા કહ્યું હતું કે ફરિયાદી પીડિતાએ નશો કર્યા બાદ આરોપીના ઘરે જઇને પોતાની રીતે જ મુશ્કેલીને નોતરી હતી. આ મામલામાં બાદમાં હાઇકોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યા હતા. અગાઉ આ જ હાઇકોર્ટના જજે રેપના કેસમાં કહ્યું હતું કે પાયજામાનુ નાડુ તોડવું કે પીડિતાને સ્પર્શ કરવો રેપનો પ્રયાસ ના ગણાય. આ અવલોકનની નોંધ લઇને સુપ્રીમ કોર્ટમાં સુઓમોટો સુનાવણી ચાલી રહી હતી.
સુઓમોટો સુનાવણી કરી રહેલા સુપ્રીમના ન્યાયાધીશ બી આર ગવઇ અને ન્યાયાધીશ અગસ્ટિન જ્યોર્જની બેંચે વધુ એક જજના અવલોકનની નોંધ લીધી હતી. બેંચે કહ્યું હતું કે આ જ હાઇકોર્ટના વધુ એક જજે વધુ એક આદેશ પસાર કર્યો છે, જો કોઇ જજ જામીન મંજૂર કરવા માગતા હોય તો ઠીક છે મંજૂર કરે પરંતુ એવું અવલોકન કેમ કરવું જોઇએ કે પીડિતાએ જાતે જ મુશ્કેલીને નોતરી હતી? આ પ્રકારનું અવલોકન કરતા પહેલા સતર્ક રહેવું જોઇએ. સુઓમોટો કેસની હવે ચાર સપ્તાહ બાદ સુનાવણી કરવામાં આવશે.
આ પહેલા અલ્લાહાબાદ હાઇકોર્ટના જજ દ્વારા પીડિતા અંગે ટિપ્પણી કરાઇ હતી તેના પર સ્ટે મુકતી વખતે સુપ્રીમે કહ્યું હતું કે કોઇ જ આટલી અસંવેદના કેવી રીતે દેખાડી શકે? હવે વધુ એક જજના નિવેદનની નોંધ આ સુઓમોટોમાં લઇને સુપ્રીમ કોર્ટે આકરુ વલણ અપનાવ્યું છે. તાજેતરમાં એક જામીન અરજીની સુનાવણી કરતા અલ્લાહાબાદ હાઇકોર્ટની બેંચે જામીન મંજૂર કરતા આદેશમાં નોંધ્યું હતું કે આ મામલામાં વકીલોની દલીલો સાંભળી સાથે જ મામલાને પારખ્યા બાદ મને એવુ લાગે છે કે પીડિતા એમ.એ.ની વિદ્યાર્થિની છે, તેથી નૈતિકતા શું છે તે સમજવા માટે પીડિતા સક્ષમ છે, પોતે શું કરી રહી છે તેનું પણ તેને ભાન હશે, પીડિતાના આરોપોને સાચા માની લઇએ તો પણ તે વાત સાચી છે કે પીડિતાએ પોતે જ આફતને નોતરી હતી અને તે માટે જવાબદાર પણ છે.