Justice BR Gavai to be the next Chief Justice of India: CJI સંજીવ ખન્નાએ સુપ્રીમ કોર્ટના આગામી ચીફ જસ્ટિસ તરીકે ભૂષણ આર. ગવઈની ભલામણ કરતો પ્રસ્તાવ કાયદા મંત્રાલય સમક્ષ મોકલ્યો છે. કાયદા મંત્રાલયે CJI સંજીવ ખન્નાને આગામી CJIના નામની ભલામણ કરવા કહ્યું હતું. વર્તમાન ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાનો કાર્યકાળ 13 મેના રોજ પૂરો થઈ રહ્યો છે. જસ્ટિસ ગવઈ દેશના 52માં ચીફ જસ્ટિસ બનશે. તેઓ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા તરીકે 14 મેના રોજ શપથ લેશે. તેમનો કાર્યકાળ છ મહિનાનો રહેશે. કારણકે તેઓ નવેમ્બર,2025માં નિવૃત્ત થવાના છે.
સંજીવ ખન્નાએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા તરીકે ગતવર્ષે 11 નવેમ્બરના રોજ શપથ લીધા હતા. તેઓ પણ 13 મે, 2025ના રોજ નિવૃત્ત થવાના હોવાથી તેમનો કાર્યકાળ પણ છ મહિનાનો છે. જસ્ટિસ ગવઈની 29 મે, 2019ના રોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક થઈ હતી. નવેમ્બર, 2003માં બોમ્બે હાઈકોર્ટના એડિશનલ જજ બન્યા બાદ નવેમ્બર, 2005માં કાયમી જજ તરીકે નિમણૂક થઈ હતી.
દેશની સુપ્રીમ કોર્ટમાં 2007માં જસ્ટિસ કેજી બાલકૃષ્ણન બાદ ગવઈ બીજા દલિત ચીફ જસ્ટિસ બનશે. સુપ્રીમ કોર્ટના જજ તરીકે જસ્ટિસ ગવઈએ અનેક નોંધનીય ચુકાદા આપ્યા છે. જેમાં મોદી સરકારનો 2016માં ડિમોનેટાઈઝેશનનો નિર્ણય, ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને ગેરબંધારણીય ઠેરવવાનો ચુકાદો સામેલ છે.