અમદાવાદ,ગુરૂવાર
શહેરના સેટેલાઇટમાં આવેલા વૃંદાવન બંગ્લોઝમાં આશરે સવા મહિના પહેલા થયેલી રૂપિયા ૪૬ લાખની ઘરફોડ ચોરીનો ભેદ ડીસીપી ઝોન-૭ના સ્ક્વોડ દ્વારા ઉકેલવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવી સર્વલન્સ, મોબાઇલ લોકેશન અને અન્ય માહિતીના આધારે મહેસાણાથી અર્જુન રાજપુત નામના આરોપીને રૂપિયા ૨૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપીની પ્રાથમિક તપાસમાં તેની ૫૦થી વધુ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવણી ખુલી છે. જ્યારે વધુ ત્રણ ગુનાનો ભેદ ઉકેલાયો હતો. ઝડપાયેલા આરોપીની ચીખલીગર ગેંગ સાથે પણ સંડોવણી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સેટેલાઇટમાં આવેલા વૃંદાવન બંગ્લોઝમાં ગત ૩જી માર્ચના રોજ રૂપિયા ૪૬ લાખની મત્તાની ઘરફોડ ચોરી થઇ હતી. જે બનાવ અંગે સેટેલાઇટ પોલીસની સાથે ડીસીપી ઝોન-૭ ના લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર વાય પી જાડેજા અને તેમના સ્ટાફ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી હતી. જેમાં એલસીબી ઝોન-૭ના સ્ટાફને કેટલાંક સીસીટીવી મળ્યા હતા. જેને ટ્રેક કરતા શંકાસ્પદ વ્યક્તિ એક નંબર પ્લેટ વિનાનું બાઇક લઇને આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે પોલીસે ૩૫૦ જેટલા સીસીટીવી ફુટેજ ટ્રેક કરવાની સાથે ચોક્કસ લોકેશનના મોબાઇલ નંબરની વિગતો એકઠી કરતા સમગ્ર કેસની તપાસ મહેસાણા રૂટ તરફ જતી હતી. સાથેસાથે ચોરી કરવાની મોડ્સ ઓપરેન્ડી તપાસતા અગાઉ વડોદરામાં પણ ચોક્કસ વ્યક્તિ દ્વારા ચોરી કરવામાં આવી હોવાની કડી મળી હતી. છેવટે પોલીસને આ કેસમા અર્જુન રાજપુત (ગૌરવ ફ્લેટ, દુધસાગર ડેરી પાસે, મહેસાણા)ની સંડોવણી ખુલતા પોલીસે તેને ઝડપીને તેની પાસેથી ૨૬ લાખની કિંમતના સોનાના દાગીના સહિત કુલ રૂપિયા ૨૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
આ અંગે માહિતી આપતા ડીસીપી ઝોન-૭ શીવમ વર્માએ જણાવ્યું કે અર્જુન રાજપુત ૫૦ જેટલા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું હતું. આ ૫૦ ગુના પૈકી ૪૩ ગુના માત્ર વડોદરા શહેરમાં નોંધાયેલા હતા.જ્યારે અન્ય ગુના ગોધરા અને આણંદમાં પણ નોંધાયા છે. આ ઉપરાંત, તેને બે વાર પાસા હેઠળ જેલમાં ધકેલવામાં આવ્યો હતો. અગાઉ તે તેના સગાભાઇ કરણ સાથે મળીને ચોરી કરતો હતો. પરંતુ, તેનું અવસાન થતા તેણે એકલા હાથે તેમજ કેટલાંક કિસ્સામાં ચીખલીગર ગેંગ સાથે મળીને પણ ચોરી શરૂ કરી હતી.