પાદરા તા.૧૭ પાદરા તાલુકાના ચોકારી ગામે એક વૃધ્ધ ખેડૂતની બેરહેમીપૂર્વક હત્યાના બનાવે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. વૃધ્ધ ખેડૂતનું ધડથી માથું કાપીને હત્યારાઓ માથું લઇ ગયા હતા જ્યારે ઘરમાં માત્ર ધડ મળ્યું હતું. જિલ્લા પોલીસે માથું શોધવા માટે ખેતરો ખૂંદવાનું શરૃ કર્યું છે.
આ અંગેની વિગત એવી છે કે ચોકારી ગામે કૃષ્ણનગરમાં આવેલા એક ખેતરમાં ૭૫ વર્ષના કુબેરભાઇ જબુરભાઇ ગોહિલ એકલાં રહેતા હતા અને ખેતી કરતા હતાં. તેમની પુત્રીના લગ્ન નરસિંહપુરા ખાતે થયા હતાં તે સાસરીમાં રહેતી હતી. કુબેરભાઇ ખેતરમાં ઘૂસી આવેલા વાંદરાઓને દૂર કરવાનું પણ કામ કરતા હતા જે આજુબાજુના ખેતરના માલિકોને પણ મદદરૃપ થતા હતાં.
આજે બપોરે ખેતરમાં મોટી સંખ્યામાં વાંદરાઓ આવી ગયા હતા અને પાકને નુકસાન કરવાનું શરૃ કર્યુ હતું જેથી નજીકના ખેતરના માલિકોએ બૂમાબૂમ કરી હતી પરંતુ કુબેરભાઇએ કોઇ જવાબ આપ્યો ન હતો જેથી કેટલાંક ખેડૂતો તેમના ઘેર ગયા હતા અને દરવાજો ખોલતાં જ તેઓ અચંબિત થઇ ગયા હતાં. ઘરમાં લોહિંથી લથપથ કુબેરભાઇનું ધડ મળ્યું હતું જ્યારે માથું ગાયબ હતું. આ ઘટનાની જાણ અન્યને કરતાં અનેક લોકો ભેગા થઇ ગયા હતાં.
દરમિયાન જિલ્લા એલસીબી, એસઓજી અને સ્થાનિક વડુ પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી અને કુબેરભાઇનું માથું શોધવાની કવાયત હાથ ધરી હતી. રાત્રે અંધારામાં પોલીસ સ્ટાફે તપાસ કરી છતાં માથું મળ્યું ન હતું જ્યારે શકમંદોને લાવીને પોલીસે પૂછપરછ શરૃ કરી હતી. આ અંગે વૃધ્ધની પુત્રીએ વડુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે દાજીબાવાના પરા વિસ્તારમાં ભાથીજી મહારાજના પાટોત્સવની ઉજવણી ચાલતી હોવાથી તેની શોભાયાત્રામાં છેલ્લે તેઓ જોવા મળ્યા હતાં.