![]()
Image Source: IANS
LPG Cylinder Shortage: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને ઈઝરાયેલ-ઈરાન સંઘર્ષની સીધી અસર હવે ભારતના રસોડા સુધી પહોંચી છે. ગેસ પુરવઠામાં વિક્ષેપ આવતા દેશના મોટા શહેરોમાં કોમર્શિયલ LPG સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે, જેના કારણે હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર સંકટના વાદળો છવાયા છે. જો LPGની સપ્લાય ટૂંક સમયમાં જ સામાન્ય નહીં થાય તો આગામી 2 દિવસોમાં શહેરના અનેક રેસ્ટોરન્ટ કેટલાક દિવસો સુધી બંધ રાખવાની ફરજ પડી શકે છે. કોમર્શિયલ ગેસની સપ્લાય અને ડિલિવરીમાં મોડું થવાથી પરિસ્થિતિ બગડતી જઈ રહી છે.
આવતીકાલે શહેરમાં હોટલ્સ બંધ રહેશે: બેંગાલુરૂ હોટલ્સ એસોસિએશન
બેંગાલુરૂ હોટેલ્સ એસોસિએશને જાહેરાત કરી છે કે જો ગેસનો પુરવઠો તાત્કાલિક પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે, તો શહેરની હજારો રેસ્ટોરન્ટ્સ અને ખાણી-પીણીની દુકાનો 10 માર્ચથી બંધ કરી દેવામાં આવશે.
એસોસિએશનના જણાવ્યા મુજબ, અચાનક જ કોમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો છે. આનાથી માત્ર હોટેલ માલિકો જ નહીં, પરંતુ દરરોજ બહાર જમતા વિદ્યાર્થીઓ, ડોક્ટરો અને સામાન્ય નાગરિકોને પણ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો આવી જ પરિસ્થિતિ રહેશે તો આગામી 2 દિવસોમાં મુંબઈની તમામ રેસ્ટોરન્ટને બંધ કરવી પડી શકે છે. અત્યાર સુધી એસોસિએશનના અંદાજિત 10 થી 20 ટકા મેમ્બર્સને ગેસ સપ્લાયમાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો: LPG સિલિન્ડર બુકિંગના નિયમમાં મોટો ફેરફાર, સંગ્રહખોરી રોકવા માટે સરકારનો નિર્ણય
મુંબઈ અને મહારાષ્ટ્રની શું છે સ્થિતિ?
મુંબઈમાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતને કારણે હોટેલ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. મુંબઈના ઘણા વિસ્તારોમાં રિફિલિંગ માટે 2 થી 8 દિવસ સુધીનું વેઈટિંગ જોવા મળી રહ્યું છે. ગેસ ડીલરોનું કહેવું છે કે રવિવારથી કોમર્શિયલ સપ્લાય લગભગ ઠપ જેવો છે, જેના કારણે રેસ્ટોરન્ટ માલિકો હવે કાળાબજારમાં મોંઘા ભાવે સિલિન્ડર ખરીદવા મજબૂર બન્યા છે. મહારાષ્ટ્રના પુણેમાં તો ગેસની અછતના કારણે ગેસ આધારિત સ્મશાનગૃહો પણ કામચલાઉ ધોરણે બંધ કરી દેવા પડ્યા છે.
મુંબઈના રેસ્ટોરન્ટ સંચાલકોનું કહેવું છે કે, તેમને કોમર્શિયલ LPG સિલિન્ડર નથી મળી રહ્યા. મુલુંડમાં હોટલ સાગર ચલાવનારી અન્નૂ શેટ્ટીએ જણાવ્યું કે, અનેક જગ્યાઓ પર સિલિન્ડરની સપ્લાય અકટી ગઈ છે. જ્યાં મળે પણ છે ત્યાં ભાવ વધી ગયા છે. 1750 રૂપિયામાં મળનારો કોમર્શિયલ LPG સિલિન્ડર હવે 1950 રૂપિયામાં આપવામાં આવી રહ્યો છે.
ચેન્નાઈ અને અન્ય રાજ્યોમાં અસર
દક્ષિણ ભારતના ચેન્નાઈમાં પણ હોટેલ એસોસિએશને સરકારને પત્ર લખીને જાણ કરી છે કે જો ગેસ નહીં મળે તો પ્રવાસન અને સ્થાનિક ઉદ્યોગને મોટું નુકસાન થશે. તમિલનાડુ ઉપરાંત પંજાબ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પણ ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ ગેસનો પુરવઠો મર્યાદિત કરી દીધો છે. સરકાર હાલમાં ઘરેલું (ડોમેસ્ટિક) ગેસના પુરવઠાને પ્રાથમિકતા આપી રહી છે જેથી સામાન્ય લોકોના ઘરના ચૂલા ચાલુ રહે.
બુકિંગ બાદ ગેસ મળવામાં 2 થી 8 દિવસ સુધી રાહ જોવી પડી રહી છે. ત્યારે રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રીઝથી જોડાયેલા લોકોનું કહેવું છે કે, કોમર્શિયલ ગેસની અછતના કારણે કેટલાક લોકો ઘરેલૂ સિલિન્ડરોનો ઉપયોગ કરી શકે છે. જોકે, ડીલર તેને ગેરકાયદે ગણાવે છે. આ વચ્ચે સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, કોમર્શિયલ LPG સિલિન્ડરની સપ્લાય પર કોઈ રોક નથી.
ભાવમાં મોટો વધારો અને નવા નિયમો
ગેસની અછતની સાથે ભાવમાં પણ મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં અંદાજે રૂ.115 અને ઘરેલું સિલિન્ડરમાં રૂ.60નો વધારો થયો છે. સરકારે હોર્ડિંગ (સંગ્રહખોરી) રોકવા માટે નવા નિયમો પણ લાગુ કર્યા છે, જે મુજબ હવે ઘરેલું ગેસનું બુકિંગ 25 દિવસના અંતર પછી જ કરી શકાશે.
આ પણ વાંચો: 2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
રિફાઇનરીઓને રાંધણ ગેસનું ઉત્પાદન વધારવા સરકારનો આદેશ : એસ્મા લાગુ
સરકારે ઓછા ઉપયોગમાં લેવાતી ઇમરજન્સી સત્તાનો ઉપયોગ કરી ઓઇલ રિફાઇનરીઓને એલપીજી પ્રોડક્શન વધારવાના નિર્દેશ આપ્યા છે. સરકાર ખાડીના દેશોમાં વધતા વિવાદથી થનારી સંભવિત મુશ્કેલીઓથી બચવા માટે ડોમેસ્ટિક રસોઇ ગેસની ઉપલબ્ધતા વધારવા માંગે છે.










