ભેંસાણ તાલુકાના રાણપુરમાં કરૂણ ઘટના : સાળા બનેવી પડી જતાં તેને બચાવવા ટેન્કમાં ઉતરેલા મકાન માલિક પરિવારના બે સભ્ય પણ ઝેરી ગેસથી બેભાન
જૂનાગઢ, : ભેંસાણ તાલુકાના રાણપુરમાં સેપ્ટિક ટેન્કની સફાઈ દરમ્યાન ઝેરી ગેસ ગળતર થતા સાળા- બનેવીનું ગુંગળામણ થવાથી મોત થયું હતું. આ બંને ટેન્કમાં પડી જતા મકાન માલિક પરિવારના બે સભ્ય તેને બચાવવા ટેન્કમાં ઉતર્યા હતા. તેમને પણ ઝેરી ગેસની અસર થતા બંને બેભાન થઈ જતા તેઓને પ્રાથમિક સારવાર બાદ જૂનાગઢ ખસેડાયા હતા. સફાઈ કરતી વખતે સાળા બનેવીના મોતની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ હતી. આ અંગે ભેંસાણ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વધુ વિગત મુજબ, ભેંસાણ તાલુકાના રાણપુર ગામમાં રહેતા કુબાવત પરિવારના ડેલામાં સેપ્ટિક ટેન્ક ભરાઈ ગઈ હોવાથી તેને સફાઈ કરવાની હતી. ગઈકાલે રાત્રીના સમયે રાણપુરના દિલીપભાઈ ખોડાભાઈ ચૌહાણ (ઉ.વ. 48) અને બીલખા નજીકના ભલગામમાં રહેતા સાળા દિલીપભાઈ ભૂરાભાઈ વાઘેલા (ઉ.વ.45 )એ સેપ્ટિક ટેન્કની સફાઈ કરવાનું શરૂ કર્યું હતું. સાળા બનેવી 15 ફૂટ જેટલી ઉંડી ટેન્કમાં સફાઈ કરી રહ્યા હતા ત્યારે ઝેરી ગેસની અસર થઈ હતી. આ ગેસની અસરથી દિલીપભાઈ ચૌહાણ અને તેના સાળા દિલીપભાઈ વાઘેલા ટેન્કની અંદર જ પડી ગયા હતા.
આ અંગે જાણ થતાં મકાન માલિક ધર્મેન્દ્રભાઈ કુબાવત અને જયદીપભાઈ કુબાવત સાળા બનેવીને બચાવવા ટેન્કની અંદર પડયા હતા. તેઓને પણ ઝેરી ગેસની અસર થઈ જતા તે બંને પણ બેભાન થઈ ગયા હતા. આ બનાવથી દોડધામ થઈ ગઈ હતી. લોકોએ મહામહેનતે સફાઈ કરવા આવેલા સાળા-બનેવી અને મકાન માલિકને ટેન્કમાંથી બહાર કાઢી સારવારમાં ખસેડયા હતા પરંતુ દિલીપભાઈ ચૌહાણ અને તેના સાળા દિલીપભાઈ વાઘેલાનું મોત થયું હતું, જ્યારે મકાન માલિક ધર્મેન્દ્રભાઈ કુબાવત અને જયદીપભાઈ કુબાવતને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે જાણ થતાં સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ, પોલીસ સહિતનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો અને નિવેદન લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ઝેરી ગેસની અસરથી સાળા બનેવીના મોતથી પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
યાંત્રિક સાધનો દ્વારા સફાઈનો નિયમ, પણ ગામડાંઓના માણસોથી થતી સફાઈ
સેપ્ટિક ટેન્કમાં થતા ગેસને લીધે કોઈનું મોત ન થાય એ માટે સફાઈ કામગીરી યાંત્રિક સાધનો વડે કરવાનો નિયમ છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં યાંત્રિક સાધન ઉપલબ્ધ ન હોવાથી માણસો દ્વારા સફાઈ થાય છે. તાજેતરમાં સુપ્રિમકોર્ટે આવા કિસ્સામાં મૃત્યુ થાય તો મૃતકના વારસદારોને 30 લાખ ચુકવવા આદેશ કર્યો છે. અગાઉ 10 લાખ વળતર ચુકવવામાં આવતું હતું.