– ઉત્તરાખંડમાં અભિનેત્રી સામે ફરિયાદ નોંધાઈ
– યુટયુબર સાથેના ઈન્ટરવ્યુમાં બદ્રીનાથ ધામ નજીકના મંદિરને પોતાનું ગણાવ્યું હતું
દહેરાદૂન : બોલીવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ બદ્રીનાથ ધામ નજીકનું ઉર્વશી મંદિર પોતાના નામ પરથી હોવાનું નિવેદન આપ્યું હતું. જે બાદ ઉત્તરાખંડ ચારધામ તીર્થ મહાપંચાયત અને બ્રહ્મ કપાલ તીર્થ પુરોહિત પંચાયત સમિતિએ તેનો વિરોધ કર્યો છે.
ઉત્તરાખંડ ચારધામ તીર્થ પુરોહિત મહાપંચાયતના પ્રવક્તાએ કહ્યું કે, અભિનેત્રી ઉર્વશી રૌતેલાના નિવેદનથી સનાતન ધર્મ અને માતા ઉર્વશી દેવીને માનનારાઓની ભાવનાઓને ઠેસ પહોચી છે. આ અંગે સ્થાનિક લોકો અને યાત્રાળુઓમાં રોષ છે. તેમણે ઉત્તરાખંડ ડીજીપીને ઉર્વશી અને યુટયુબ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગોપેશ્વર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, ઉર્વશી અને તેના વિવાદાસ્પદ ઈન્ટરવ્યુનું પ્રસારણ કરનાર યુટયુબ ચેનલ વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઈએ. અભિનેત્રીનું નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે.