Baba Ramdev on Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકી હુમલાથી દેશભરમાં આક્રોશ ફેલાયો છે. આતંકીઓએ પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કરતાં 28ના મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આતંકીઓની નાપાક હરકત પાછળ પાકિસ્તાનનો હાથ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પહલગામ હુમલા મુદ્દે યોગ ગુરુ બાબા રામદેવે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે આતંકવાદીઓને સબક શીખવાડવાની અને POKને ભારતમાં વિલય કરવા સાથે આતંક મુદ્દે પાકિસ્તાન પર ગંભીર આક્ષેપ કર્યો છે.
ધર્મ પૂછીને હિન્દુઓને મારવામાં આવ્યા : બાબા રામદેવ
બાબા રામદેવે કહ્યું કે, ‘પહલગામમાં ધર્મ પૂછીને હિન્દુઓને મારવામાં આવ્યા છે. ભારતમાં હિન્દુ-મુસ્લિમોની એકતાને ભંગ કરવા માટે આ હુમલો કરવામાં આવ્યો છે. આતંકીઓ ઇચ્છે છે કે, ભારતની ગલીઓ-મહોલ્લાઓમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે ઝઘડો થાય. આ હુમલો ભારતમાં હિન્દુઓને ટાર્ગેટ કરી કરવામાં આવેલી સૌથી મોટી આતંકી ઘટના છે.’
‘આતંકીઓ દેશમાં રમખાણો અને ગૃહયુદ્ધ કરાવવા માંગે છે’
તેમણે વધુમાં કહ્યું કે, ‘આતંકવાદીઓ દેશમાં રમખાણો અને ગૃહયુદ્ધ કરાવવા માંગે છે. ભારતનો લોકો આતંકીઓના નાપાક ઇરાદાને સફળ નહીં થવા દે. હવે દેશના દરેક નાગરિકે સેનાના પ્રતિનિધિ રૂપે ઊભા થવું પડશે. હિન્દુસ્તાનમાં બે પ્રકારના મુસ્લિમો છે. એક મુસલમાન કુરાન, ઈસ્લામ અને હિન્દુસ્તાનને ગૌરવ આપે છે અને બીજો લોકોમાં કટ્ટરવાદ ઊભો કરી રહ્યા છે. આવા લોકો રક્તપાત, ધૃણા અને લોકોમાં નફરત ઊભી કરવા માંગે છે.’
આ પણ વાંચો : પહલગામ હુમલા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં બે મિનિટનું મૌન, વકીલો પણ આક્રોશમાં, ન્યાયાધીશોએ કહ્યું- ‘આ હિંસા રાક્ષસી કૃત્ય’
‘પીઓકેનું ભારતમાં વિલય થવું જોઈએ’
યોગ ગુરુએ કહ્યું કે, ‘પાકિસ્તાનથી ભારત વિરોધી ગતિવિધિઓ થઈ રહી છે. આ લોકો આવા લોકોને ફન્ડિંગ કરી રહ્યા છે. મારી ભારત સરકારને વિનંતી છે કે, હવે પીઓકેનું ભારતમાં વિલય થવું જોઈએ. સાથે જ આતંકવાદીઓના કેમ્પને નષ્ટ કરવા જોઈએ. ભારતના દુશ્મન દેશો ભારત પર ખરાબ નજર રાખી રહ્યા છે, હવે તેમને પાઠ ભણાવવો જોઈએ.’
આ પણ વાંચો : પહલગામ આતંકવાદી હુમલો: ‘પડદા પાછળ જે પણ છે, બધાને જવાબ મળશે’, રાજનાથ સિંહે કર્યો મોટો ઇશારો