– પહલગામ હુમલાનો બદલો લેવા ભારત એરસ્ટ્રાઇક કરશે તેવી ભીતિને પગલે પાકે. આખી રાત સેના-એરફોર્સ એલર્ટ રાખ્યા
– વાઘા-અટારી ચેકપોસ્ટ બંધ કરાઇ, પ્રવેશ લીધો હોય તેમને 1 મે સુધીમાં પરત જતા રહેવાનો આદેશ : સિંધુ જળ કરારો પર બ્રેક વાગતા ભારતની મોટી નદીઓનું પાણી પાક.ને નહીં મળે
– પીઓકેમાં પાકિસ્તાને 42 લોન્ચપેડ સક્રિય કર્યા, 130થી વધુ આતંકીઓ ભારતમાં ઘૂસવાની ફિરાકમાં
નવી દિલ્હી/શ્રીનગર : કાશ્મીર ઘાટીના પહલગામમાં આતંકીઓ દ્વારા હિન્દુ પર્યટકોને નિશાન બવાની ઘાતકી હુમલો કર્યો હતો. પાકિસ્તાની આતંકીઓ દ્વારા કરાયેલા આ હુમલામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. એવામાં હવે ભારતે પાકિસ્તાન સામે આકરા પગલા લીધા છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરક્ષાની કેબિનેટ કમિટી સાથે બેઠક યોજી હતી, જેમાં આ મોટા નિર્ણયો લેવાયા છે. ભારતે હાલ પાકિસ્તાન સાથેના સિંધુ જળ કરાર અટકાવી દીધા છે. એટલુ જ નહીં પાકિસ્તાન સ્થિત ભારતીય હાઇકમિશનમાં તૈનાત મહત્વના અધિકારીઓને પાછા બોલાવી લેવામાં આવ્યા છે. જ્યારે ભારત સ્થિત પાકિસ્તાની હાઇકમિશનના પાક.ના અધિકારીઓને ભારત છોડવા માટે આદેશ અપાયો છે. તેઓને આ માટે એક સપ્તાહનો સમય અપાયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં પાકિસ્તાન સામે પાંચ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જે મુજબ જ્યાં સુધી સરહદે સક્રિય આતંકવાદ મુદ્દે પાકિસ્તાન કોઇ પગલા ના લે ત્યાં સુધી તેની સાથેના સિંધુ જળ કરારો અમલમાં નહીં ગણાય. તાત્કાલીક અસરથી પાક. સરહદે આવેલી વાઘા-અટારી ચેકપોસ્ટ બંધ કરી દેવામાં આવશે, જે પણ લોકો આ ચેકપોસ્ટથી કાયદેસર દસ્તાવેજો સાથે ભારતમાં પ્રવેશ્યા હોય તેઓએ ૧ મે સુધી પરત જવાનું રહેશે. પાકિસ્તાની નાગરિકોને સાર્ક વિઝા છૂટ યોજના હેઠળ ભારતમાં પ્રવેશવાની છૂટ નહીં અપાય, આવા જે પણ વિઝા પાકિસ્તાનીઓને અગાઉ જારી થયા હોય તેને રદ ગણવામાં આવશે. જો કોઇ પાકિસ્તાની નાગરિક એસપીઇએસ વિઝા હેઠળ ભારતમાં આવ્યું હોય તો તેણે ૪૮ કલાકમાં જ ભારત છોડવાનું રહેશે.
આ ઉપરાંત પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ભારતીય હાઇકમિશનમાં તૈનાત ભારતના સંરક્ષણ, નેવી, એર સલાહકારોને પરત બોલાવી લેવાયા છે, તેવી જ રીતે દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઇકમિશનના પાકિસ્તાની સંરક્ષણ, સૈન્ય, નેવી અને એર સલાહકારોને એક સપ્તાહમાં ભારત છોડવાનો આદેશ અપાયો છે. હાઇ કમિશન્સમાં કુલ ડિપ્લોમેટ્સની સંખ્યા ઘટાડીને ૩૦ કરી નાખવામાં આવશે. સિંધુ જળ કરારોને અટકાવી દેવામાં આવ્યા હોવાથી હવેથી ઝેલમ, ચેનાબ, રવી, બીઆસ, સતલુજ વગેરે નદીઓના પાણીને પાકિસ્તાન જતા અટકાવી દેવામાં આવશે. કાળજાળ ગરમીમાં પાકિસ્તાનને પાણી નહીં મળે. આ સિંધુ જળ કરારો ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૬૦માં થયા હતા.
હજુ પહલગામ હુમલાને ૨૪ કલાક જ વિત્યા હતા ત્યાં બારામુલ્લામાં પાકિસ્તાની આતંકીઓએ ફરી ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, જોકે સેના એલર્ટ હોવાથી બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. હાલ સમગ્ર પાકિસ્તાન સરહદે સેના હાઇ એલર્ટ પર હોવાથી આ ઘૂસણખોરી નિષ્ફળ રહી છે. હાલ પાકિસ્તાની આતંકીઓ પર સેના દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી છે.
જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો તેના જવાબમાં ભારતે પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક કરી હતી. હવે જ્યારે પહલગામમાં પર્યટકો પર આતંકીઓએ હુમલો કર્યો છે ત્યારે આ જ પ્રકારનો જવાબ ભારત આપશે તેવી ભીતિને પગલે પાકિસ્તાને સરહદે પોતાની સેનાને હાઇએલર્ટ પર રાખી છે. જ્યારે પાકિસ્તાને કબજે કરેલા કાશ્મીર પીઓકેમાં આતંકીઓના ૪૨ લોન્ચ પેડ હાલ સક્રિય થઇ ગયા છે. આ લોન્ચ પેડ પર ૧૧૦થી ૧૩૦ આતંકી હોવાની માહિતી એજન્સીઓ અને સેનાને મળી છે. જ્યારે હુમલો થયો તે કાશ્મીર ઘાટીમાં જ ૭૦થી ૭૫ આતંકીઓ સક્રિય છે. આ ઉપરાંત જમ્મુ પ્રાંતના રાજોરીમાં પણ ૬૦થી ૬૫ આતંકીઓ સક્રિય છે. આ તમામ પાકિસ્તાની આતંકીઓ છે.
પહલગામ હુમલા બાદ ઘાટીમાં ભારતીય સેના વધુ એલર્ટ પર છે, હાલ સુરક્ષાદળો દર પાંચ દિવસે એક આતંકીને ઠાર કરી રહ્યા છે. પહલગામના હુમલાખોર આતંકીઓ નિર્દોષ નાગરિકોનો ભોગ લઇને જંગલમાં ભાગી ગયા છે. આ આતંકીઓની માહિતી આપનારાને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા ૨૦ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે તેવી જાહેરાત કરાઇ છે. આ સાથે જ હુમલાખોર આતંકીઓના સ્કેચ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. પ્રાપ્ત આંકડા મુજબ જમ્મુના પાંચ જિલ્લા જમ્મુ, ઉધમપુર, કઠુઆ, ડોડા અને રાજોરીમાં ૪૨ વિદેશી આતંકીઓ સક્રિય છે, જ્યારે ઘાટીમાં બારામુલ્લા, બંદીપોરા, કુપવાડા અને કુલગામમાં માર્યા ગયેલા આતંકીઓ પણ પાકિસ્તાની હતા.
આ સ્થિતિ વચ્ચે હવે પાકિસ્તાન વધુ ને વધુ આતંકીઓ ઘૂસાડવાની ફિરાકમાં છે. જેને પગલે પીઓકેમાં આતંકીઓના અનેક લોન્ચપેડ સક્રિય થઇ ગયા છે. બીજી તરફ પહલગામ હુમલા બાદ ભારત કોઇ હવાઇ હુમલો કરશે તેવી ભીતિને પગલે આખી રાત પાકિસ્તાની એરફોર્સ હાઇએલર્ટ રહ્યું હતું. ફ્લાઇટ રડાર ડેટામાં પાકિસ્તાની એરફોર્સની ચહલપહલ નોંધાઇ હતી જેના પરથી આ ખુલાસો થયો છે. આ રિપોર્ટ મુજબ પાકિસ્તાની એરફોર્સના મુખ્ય વિમાનો કચારી સ્થિત દક્ષિણી એર કમાન્ડથી લાહોર અને રાવલપિંડી આસપાસ ઉત્તર સ્થિત સ્થળો તરફ જતા જોવા મળ્યા હતા. જે ઉત્તરીય વિસ્તારમાં ભારતીય સરહદ પાસે પાકિસ્તાની એરફોર્સનું સૌથી નજીકનું એરબેઝ માનવામાં આવે છે.
હુમલાના ઘણા સમય બાદ સુરક્ષાદળ પહોંચ્યા : પીડિતો
ઘાટીમાં પુરતી સુરક્ષાનો અભાવ એજન્સીઓ પણ ઉંઘતી ઝડપાઇ
– હુમલા પૂર્વે આતંકીઓએ રેકી કરી હતી, પુરતી તાલિમ લઇ હુમલો કર્યો હતો છતા એજન્સીઓને જાણ ના થઇ
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકીઓ દ્વારા કરાયેલા હુમલાની આગોતરા માહિતી મેળવવામાં ભારતીય સુરક્ષા એજન્સીઓ નિષ્ફળ રહી હોવાની ચર્ચા છે. એટલુ જ નહીં ઘાટીમાં જે પર્યટન સ્થળે મોટી સંખ્યામાં પર્યટકો એકઠા થયા હતા ત્યાં સુરક્ષા વ્યવસ્થાની પણ ખામી સામે આવી છે. જેનો લાભ લઇને આતંકીઓએ આ હુમલો કર્યો હતો.
મૃતકોના પરિવારજનોએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો તેના ઘણા સમય બાદ સુરક્ષાદળો સ્થળે પહોંચ્યા હતા. ત્યાંસુધીમાં તો આતંકીઓ અનેક નિર્દોષ લોકોની હત્યા કરીને ભાગી ગયા હતા. પહલગામ પર્યટકો માટે જાણીતું સ્થળ છે. આ ઉપરાંત ત્યાં મોટી સંખ્યામાં જગલ વિસ્તાર પણ છે. આ સ્થિતિ વચ્ચે પણ પુરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાની ફરિયાદો થઇ રહી છે.
એવા અહેવાલો છે કે હુમલાખોર આતંકીઓને પાકિસ્તાનમાં પુરતી તાલિમ મળી હતી, આતંકીઓએ દૂરથી પણ અનેક લોકોના માથામાં ગોળી મારી હતી. એટલુ જ નહીં આ હુમલો કરવામાં આવ્યો તે પૂર્વે આતંકીઓએ સ્થળની રેકી કરી હતી, કોઇ ખાસ સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી જ આતંકીઓએ આ સ્થળને હુમલા માટે પસંદ કર્યું હતું. હુમલાખોર આતંકીઓ હેલમેટ માઉન્ટેડ કેમેરા સાથે આવ્યા હતા. તેથી આ સમગ્ર હત્યાકાંડનું રેકોર્ડિંગ કર્યું હોવાના પણ અહેવાલો છે. આતંકીઓની આટલી તૈયારી છતા તેની કોઇ જ બાતમી મેળવવામાં સુરક્ષા એજન્સીઓ નિષ્ફળ રહી હોવાની ચર્ચા ચાલી રહી છે. અનેક પર્યટકો હુમલા સમયે ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તેમને સ્થાનિક લોકો દ્વારા મદદ મળી હતી. જોકે ત્યાં પુરતા પ્રમાણમાં સુરક્ષા વ્યવસ્થા હોત તો મોટી જાનહાની ટાળી શકાઇ હોત.
કલમા પઢવા અને દાઢીને કારણે હિન્દુને મુસ્લિમ સમજી જવા દીધો
શ્રીનગર : પહલગામમાં આતંકીઓ પર્યટકોનો ધર્મ પૂછીને હુમલા કરી રહ્યા હતા. એવામાં જે લોકો બચી ગયા છે તેમણે આપવીતી વર્ણવી છે. આસામના દેબાશીષ ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે હુમલો થયો ત્યારે જીવ બચાવવા હું એક વૃક્ષ પાછળ છૂપાઇ ગયો હતો, મારી સાથે અન્ય કેટલાક લોકો હતા જેઓ કલમા પઢતા હતા, તેથી હું પણ કલમા પઢવા લાગ્યો, અચાનક એક આતંકી મારી પાસે આવ્યો અને મને પૂછ્યું કે શું બોલી રહ્યો છે રામનું નામ લઇ રહ્યો છે?, જોકે મે જવાબ ના આપ્યો અને જોર જોરથી કલમા પઢવા લાગ્યો. બાદમાં આતંકી ત્યાંથી જતો રહ્યો. દેબાશીષ ભટ્ટાચાર્યએ દાઢી રાખી હતી, તેના ભાઇ નવેંદુએ કહ્યું હતું કે મારા ભાઇ દેબાશીષે દાઢી રાખી હતી, તેથી આતંકીઓ તેનો ધર્મ ઓળખી ના શક્યા અને તેને છોડી દીધો.
કાશ્મીર જવા મહિનાઓ સુધી બચત કરી, પત્ની-પુત્ર સામે જ હત્યા થઇ
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના બાઇસરણમાં થયેલા આતંકી હુમલામાં ઓડિશાના બાલાસોર જિલ્લા એક પરિવારની ખુશી છીનવી લીધી, આતંકીઓએ ૪૧ વર્ષીય પ્રાશાંત સતપથીની તેની પત્ની અને ૯ વર્ષના પુત્રની સામે હત્યા કરી નાખી હતી. તેની પત્ની પ્રિયા દર્શની આચાર્યએ કહ્યું હતું કે અમે રોપવે પરથી ઉતરી રહ્યા હતા ત્યારે જ આતંકીઓએ માથામાં ગોળી મારી દીધી, જેથી મારા પતિ ત્યાં જ પડી ગયા, ઘટનાના એક કલાક બાદ સુરક્ષાદળો પહોંચ્યા હતા. ગુરુવારે મૃતક પ્રાશાંતના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.પ્રાશાંતના પરિવારે કહ્યું હતું કે કાશ્મીર જવા માટે તેમણે સેવિંગ કર્યું હતું, નોકરીમાં ખાસ આવક નહોતી પરંતુ જેટલા પણ કમાતા હતા તેમાંથી બચત કરીને પરિવારને કાશ્મીર લઇ ગયા હતા.