![]()
Surat Corporation : સુરત મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતા જ શહેરમાં રાજકીય વાતાવરણ જામી રહ્યું છે. દરમિયાન આજે દક્ષિણ સુરતના ઉધના વિસ્તારમાં આજે સર્જાયેલી ઘટનાના કારણે વિવાદ થયો છે. અને આચારસંહિતાના અમલના નામે પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી હવે ચર્ચાનો વિષય બની ગઈ છે. જેમાં સત્તાધારી પક્ષને લાભ થાય તેવી ‘પક્ષપાતી કામગીરી’ના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.
સુરત પાલિકાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોનુ પ્રચાર અભિયાન શરૂ થઈ ગયું છે. ત્યાં આજે સુરતના ઉધનામાં કાશીનગર મેઇન રોડ પર કોંગ્રેસ દ્વારા પ્રચાર માટે લગાવવામાં આવેલા ઝંડા અને બેનરોને સુરત મહાનગરપાલિકાના દબાણ વિભાગે અચાનક હટાવી દીધા હતા. સવારના સમયે જ તંત્રની ટીમ સ્થળ પર પહોંચી ગઈ અને કોંગ્રેસના તમામ ઝંડાઓ ઉતારવાની કામગીરી હાથ ધરી હતી. આ કાર્યવાહી સામે કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.
પાલિકાની આ પ્રકારની કામગીરીની જાણ થતા જ સ્થાનિક કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા અને તંત્રની કાર્યવાહીના વિરોધમાં હોબાળો મચાવ્યો હતો. કાર્યકરોનો આક્ષેપ હતો કે, આચારસંહિતા માત્ર કાગળ પર જ તમામ પક્ષો માટે સમાન છે, વાસ્તવમાં તંત્ર માત્ર વિપક્ષને જ નિશાન બનાવી રહ્યું છે.
કોંગ્રેસે સીધો આક્ષેપ કર્યો કે સત્તાધારી પક્ષ ચૂંટણીમાં હારના ભયથી સરકારી મશીનરીનો દુરુપયોગ કરી રહ્યો છે. જો નિયમોનું પાલન કરાવવાનું હોય તો તે સૌ માટે સમાન હોવું જોઈએ, પરંતુ અહીં માત્ર કોંગ્રેસના ઝંડાઓને જ દૂર કરવામાં આવ્યા છે, જ્યારે ભાજપના ઝંડા અને પોસ્ટરો હજી પણ જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકરોએ દાવો કર્યો કે કાશીનગર તથા આસપાસના વિસ્તારમાં ભાજપના પ્રચાર સામગ્રીની કોઈ સ્પર્શ પણ કરવામાં આવ્યો નથી. આક્ષેપ મુજબ, દબાણ વિભાગને માત્ર કોંગ્રેસના જ ઝંડા દેખાય છે? જે પ્રશ્ન હવે લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.
સ્થાનિક કાર્યકરોએ જણાવ્યું કે, વોર્ડ નંબર 24માં કોંગ્રેસ દ્વારા પ્રચાર માટે ગત રાત્રે જ ઝંડા લગાવવામાં આવ્યા હતા અને આગામી કાર્યાલયનું ઉદ્ઘાટનને ધ્યાનમાં રાખીને તમામ પરવાનગી લેવાની પ્રક્રિયા ચાલુ હતી. તેમ છતાં, આજે વહેલી સવારે જ પાલિકા તંત્ર દ્વારા ઝંડા હટાવી દેવામાં આવ્યા, જે પાછળ ‘ઉપરથી આદેશ’ હોવાનો સંકેત પણ આપવામાં આવ્યો હતો.
આ સમગ્ર પ્રકરણ બાદ હવે સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે શું આચારસંહિતાના અમલ ખરેખર નિષ્પક્ષ રીતે થઈ રહ્યો છે કે પછી તે પણ રાજકીય દબાણ હેઠળ આવી ગયો છે? જો તંત્રની કાર્યવાહી એક તરફી જ રહેશે, તો આવનારી ચૂંટણી પારદર્શિતા અને વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન ઊભું થવું સ્વાભાવિક છે.










