Sanjay Raut On Caste Census: કેન્દ્ર સરકારની જાતિગત વસ્તી ગણતરીની જાહેરાત બાદ પક્ષ-વિપક્ષમાં આક્ષેપબાજી શરૂ થઈ છે. શિવસેના (ઉદ્વવ જૂથ)ના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે રાહુલ ગાંધીની ભૂમિકાને નિર્ણાયક ગણાવી મોદી સરકારને ઘેરી છે. તેમણે કહ્યું કે, સરકાર મોદીની હોઈ શકે છે, પરંતુ સમય અને સિસ્ટમ રાહુલની ચાલી રહી છે.
રાહુલ ગાંધીને યોગ્ય ઠેરવતા રાઉતે કહ્યું કે, રાહુલ ગાંધી છેલ્લા દસ વર્ષથી સતત જાતિગત વસ્તી ગણતરીની માગ કરી રહ્યા હતાં. આ મુદ્દો શેરીઓથી માંડી સંસદ સુધી ઉઠાવવામાં આવ્યો. તેમણે યાદ અપાવ્યું કે સંસદમાં રાહુલ ગાંધીના ભાષણોમાં સામાજિક ન્યાય અને પ્રતિનિધિત્વનો મુદ્દો વારંવાર ઉઠાવવામાં આવ્યો છે. હવે અચાનક સરકાર સફાળી જાગી છે. જો વાસ્તવમાં સરકારને સામાજિક ન્યાયની ચિંતા હોત તો તે ક્યારની જાતિગત ગણતરી પૂર્ણ કરી ચૂકી હોત.
અનુરાગ ઠાકુરને ઘેર્યા
રાઉતે ભાજપ નેતાઓ પર બેવડું વલણ અપનાવવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે, ભાજપ નેતા અનુરાગ ઠાકુરે સંસદમાં રાહુલ ગાંધી પર અપમાનજનક ટીપ્પણી કરી હતી. તે આ વાતનું પ્રમાણ છે કે, ભાજપ જાતિગત ગણતરીનો વિરોધ કરી રહ્યું હતું. આ મુદ્દો વર્ષોથી ગુંજી રહ્યો હતો, ત્યારે શું સરકાર કાનમાં રૂના પૂમડાં ભરાવીને બેઠી હતી? આજે સરકારે વસ્તી ગણતરીનો જે નિર્ણય લીધો છે, તે બહુજન, દલિત, ઓબીસી અને શોષિત વર્ગોની જીત છે. પરંતુ તેનો શ્રેય રાહુલ ગાંધીને આપવો જોઈએ.
આ પણ વાંચોઃ પહલગામ હુમલાની ન્યાયિક તપાસની માગ પર સુપ્રીમ કોર્ટે વકીલને ખખડાવ્યાં, કહ્યું – આ નાજુક ઘડી…
સરકાર લોકોને ગેરમાર્ગે દોરવા માગે છે
સંજય રાઉતે સરકારની આ જાહેરાતના સમય પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે દેશ પહલગામ હુમલા જેવી મોટી દુર્ઘટનાનો સામનો કરી રહ્યું છે અને શક્ય છે કે સરકારે પોતાની નિષ્ફળતા પરથી ધ્યાન ભટકાવવાની રણનીતિ તરીકે આ મુદ્દાને આગળ ધપાવ્યો હોય. જો સરકારને ખરેખર સામાજિક ન્યાયની ચિંતા હોત, તો તેણે અત્યાર સુધીમાં જાતિગત વસ્તી ગણતરી પૂર્ણ કરી લીધી હોત. પરંતુ આ મુદ્દો હવે રાજકીય દબાણ હેઠળ આવ્યો હોવાથી તેના મૂલ્યાંકન કરવાનો અને શ્રેય લેવાનો કોઈ અધિકાર નથી.