![]()
Jamnagar Crime : જામનગર શહેરમાં જી.જી. હોસ્પિટલ સામે આવેલા શિવમ હોટલ પાસે મોડીરાત્રે બનેલી મારામારીની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. બનાવ અંગે સિટી બી-ડિવિઝન પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ, કર્મચારીનગર વિસ્તારમાં રહેતા જયરાજસિંહ નવલસિંહ કંચવા પોતાના મિત્ર રુદ્ર રાઠોડને ક્રિસ્ટલ મોલ પાસે માર મારાયો હોવાની જાણ થતાં તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. સારવાર દરમિયાન જયરાજસિંહ તથા તેમના મિત્ર મહાવીરસિંહ ચૌહાણ હોસ્પિટલ સામે આવેલી શિવમ હોટલ પાસે ચા પીવા ઉભા હતા.
તે દરમિયાન બે મોટરસાયકલ પર આવેલા ચાર શખ્સોએ બંને પર હુમલો કર્યો હતો. આરોપી જયદીપસિંહ જાડેજાના હાથમાં લોખંડનો પાઇપ હતો અને તેણે ફરીયાદીને ધમકી આપી માથાના પાછળના ભાગે હુમલો કર્યો હતો. હુમલાના કારણે ફરીયાદી જમીન પર પટકાયા હતા. ત્યારબાદ અન્ય આરોપીઓએ પણ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી બંને હાથમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
આ બનાવમાં સિટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જયદીપસિંહ જાડેજા, હાર્દિક ઉર્ફે હદુભા ઝાલા, વિવેક ઉર્ફે વિકી કાપડી તથા એક અજાણ્યા ઈસમ સામે બી.એન.એસ.ની વિવિધ કલમો તેમજ જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બનાવ અંગે વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.










