Priyanka Gandhi in Kerala: કેરળના ઈયંગપ્પુઝા વિસ્તારમાં શનિવારે રાત્રે માર્ગ અકસ્માત જોયા પછી કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ તરત જ પોતાનો કાફલો રોકી દીધો હતો. તેમણે પોતાના કાફલામાં હાજર ડોક્ટરને ઘટનાસ્થળે બોલાવ્યા અને ઈજાગ્રસ્તની સારવાર કરાવી. આ પછી તેમણે એમ્બ્યુલન્સમાં હાજર મેડિકલ ટીમને ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા સૂચના આપી.
ઈજાગ્રસ્તને જોતાં જ પ્રિયંકાએ તરત જ કાફલો રોક્યો
અહેવાલો અનુસાર, આ અકસ્માત કોઝિકોડ જિલ્લામાં થયો હતો જ્યારે નૌશાદ અને તેમના પરિવાર, જે કોયિલેન્ડીના રહેવાસીઓ હતા, તેમને લઈ જતી કાર બીજી કાર સાથે અથડાઈ હતી. આ દરમિયાન કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીનો કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તેમણે ઈજાગ્રસ્ત સાથે જ રોકાઈને સારવાર કરાવી. પ્રિયંકા ગાંધી હાલમાં તેમના લોકસભા મતવિસ્તાર વાયનાડના ત્રણ દિવસના પ્રવાસે કેરળમાં છે. આ દરમિયાન તેમણે ઘણાં વિસ્તારોની મુલાકાત લીધી અને સ્થાનિક લોકોને મળ્યા.
આ પણ વાંચો: વાઈબ્રન્ટ ગુજરાતમાં નલ સે જલ યોજનાનો ફિયાસ્કો, 290 ગામડામાં ટેન્કર રાજ, પીવાનું શુદ્ધ પાણી નથી
કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં પ્રિયંકા ગાંધી ઈજાગ્રસ્ત લોકો સાથે વાત કરતા અને તેમને સાંત્વના આપતા જોવા મળ્યા. તેમણે સ્થળ પર હાજર લોકો પાસેથી પણ માહિતી લીધી અને ડોકટરોને સંપૂર્ણ સહાય પૂરી પાડવા જણાવ્યું.