(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૫
વિકલાંગ વ્યકિત વિરુદ્ધના પ્રણાલિગત ભેદભાવ દૂર થવા જોઇએ
તેમ કહેતા સપ્રીમ કોર્ટે ૨૦૨૪માં એમબીબીએસ પ્રવેશ પરીક્ષા પાસ કરનાર વિકલાંગ
ઉમેદવારને એઇમ્સમાં સીટ ફાળવવાનો આદેશ આપ્યો છે.
રાઇટ્સ ઓફ પર્સન્સ
વિથ ડિસએબિલિટિસ એક્ટ, ૨૦૧૬માં
યોગ્ય આવાસની વ્યવસ્થા છે. અને આ વ્યવસ્થા દાન કે ઉપકાર નથી પણ મૂળભૂત અધિકાર છે
તેમ ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ સંદીપ મહેતાની ખંડપીઠે જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ અરજી કબિર પહારિયા દ્વારા દાખલ કરવામાં
આવી હતી. આ ઉમેદવારની પાંચ આંગળીઓ અર્ધ વિકસિત છે અને તે લોેકોમોટર વિકલાંગતાથી
પીડિત છે. આ ઉમેદવારને તેની આ વિકલાંગતાને કારણે એમબીબીએસમાં પ્રવેશ આપવાનો ઇનકાર
કરવામાં આવ્યો હતો.
આ અગાઉ સુપ્રીમ કોર્ટે બીજી એપ્રિલના રોજ ઓલ ઇન્ડિયા
ઇન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાયન્સના રચવામાં આવેલા મેડિકલ બોર્ડ દ્વારા નવેસરથી
ઉમેદવારની મેડિકલ તપાસ કરાવવાનો આદેશ આપ્યો હતો.
મેડિકલ બોર્ડે પોતાના નિષ્કર્ષમાં જણાવ્યું હતું કે
પહારિયાએ વિભિન્ન કાર્યો દરમિયાન પોતાની વર્તમાન આંગળીઓનો ઉપયોગ કરીને કાર્યાત્મક
અનુકુલનનું પ્રદર્શન કર્યુ હતું.
પહારિયાએ પોતાની અરજી ફગાવી દેનાર દિલ્હી હાઇકોર્ટના આદેશને
સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અરજકર્તાને
એમબીબીએસ અન્ડરગ્રેજયુએટ કોર્સમાં એડમિશન આપવાનો ઇનકાર કરવો ગેરકાયદેસર, મનસ્વી અને
બંધારણના મૂળભૂત અધિકારોનો ભંગ છે.