Jamnagar Accident : જામનગર જિલ્લા કોળી સમાજના પ્રમુખના 24 વર્ષીય પુત્રને સિમેન્ટ ભરેલા એક ટ્રકના ચાલકે ગઈકાલે રાત્રે ગોકુલ નગર રોડ પર એકટીવાને ઠોકરે ચડાવી દઇ ગંભીર ઇજા પહોંચાડતાં તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. જેથી કોળી સમાજમાં અને મૃતકના પરિવારમાં ભારે ગમગીની ફેલાઈ છે.
આ ગોજારા અકસ્માતના બનાવની વિગતો એવી છે કે જામનગર જિલ્લા કોળી સમાજના પ્રમુખ વનરાજભાઈ પારેજીયાનો 24 વર્ષનો પુત્ર મયુર વનરાજભાઈ ગઈકાલે રાત્રે પોતાનું એકટીવા સ્કૂટર લઈને ગોકુલ જકાતનાકા તરફ જઈ રહ્યો હતો, જે દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા જીજે-10 ઝેડ-9552 નંબરના સિમેન્ટ ભરેલા ટ્રકના ચાલકે એકટીવાને હડફેટમાં લઈ લેતા ગોજારો અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં એકટીવા ચાલક મયુરભાઈ પારેજીયાને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર થઈ હતી, અને લોહી લુહાણ થઈને ઢળી પડ્યો હતો, જેને સારવાર માટે ગંભીર હાલતમાં જામનગરની સરકારી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવને લઈને મૃતકના પરિવારમાં ભારે ગમગીની છવાઈ હતી.
ગઈકાલે રાતે કોળી સમાજના અનેક આગેવાનો તથા મૃતકના પરિવારજનો જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને ભારે શોકમગ્ન વાતાવરણ બની ગયું હતું. આ અકસ્માતના બનાવ અંગે મૃતકના કાકા દિનેશભાઈ સવજીભાઈએ સીટી સી. ડિવિઝન પોલીસ મથમાં અકસ્માત સર્જનાર જી.જી.10 ઝેડ 9552 નંબરના ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી માર્ગ પર બિનવારસી હાલતમાં પડેલો ટ્રક કબજે કરી લીધો છે, જ્યારે તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે.