![]()
Ahmedabad Drug Bust: ગુજરાતમાં નશાના કારોબાર સામે પોલીસે વધુ સફળતા મેળવી છે. અમદાવાદની નરોડા પોલીસે કરોડો રૂપિયાનું આંતરરાષ્ટ્રીય લિંક ધરાવતું મેથામ્ફેટામાઇન (MD) ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પોલીસે નાના ચીલોડા સર્કલ પાસે વોચ ગોઠવીને બિસ્કિટના બોક્સની આડમાં ડ્રગ્સની હેરાફેરી કરી રહેલા મુંબઈના એક શખસને અંદાજે 7 કિલોથી વધુના ડ્રગ્સના જથ્થા સાથે રંગેહાથ દબોચી લીધો છે.
બિસ્કિટના પાંચ બોક્સ અને કાળો કારોબાર
મળતી માહિતી અનુસાર, નરોડા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નાના ચીલોડા ગરનાળા પાસેથી પસાર થઈ રહેલા એક શખસને આંતરીને તેની તલાશી લેવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન પકડાયેલા આરોપીનું નામ મહોમદસાજીદ શેખ છે અને તે મુંબઈનો રહેવાસી છે. આરોપી પાસે રહેલી ટ્રાવેલ બેગની તપાસ કરતા તેમાંથી બિસ્કિટના ૫ મોટા બોક્સ મળી આવ્યા હતા. આ બોક્સની અંદર ખાવાના સામાનના બદલે મેથામ્ફેટામાઇન ડ્રગ્સનો પાવડર અને ટુકડા છુપાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતનાં 150 તાલુકામાં વાતાવારણમાં પલટો: અમદાવાદથી સુરત સુધી જુઓ ક્યાં કેટલો વરસાદ પડ્યો
આંતરરાષ્ટ્રીય નેટવર્કનો ઘટસ્ફોટ
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ડ્રગ્સના આ આંતરરાષ્ટ્રીય નેટવર્કનો ઘટસ્ફોટ થયો છે. આરોપી કબૂલાત કરી છે કે ‘મારો એક નાઈજીરિયાના ક્યુબેન નામના વ્યક્તિ સંપર્ક થયો હતો. આ નાઇજીરિયન હેન્ડલરના કહેવાથી હું મુંબઈથી રાજસ્થાનના જયપુર ખાતે સિંધી કેમ્પ બસ સ્ટેશન ગયો હતો. ત્યાં મને એક અજાણ્યા શખસે આ ડ્રગ્સ ભરેલી ટ્રાવેલ બેગ આપી હતી. આ જથ્થો લઈને તે વાયા અમદાવાદ થઈને પરત મુંબઈ સપ્લાય કરવા જઈ રહ્યો હતો. આ એક સપ્લાય ટ્રીપના બદલામાં તેને માત્ર 10,000 રૂપિયા મળવાના હતા.’
કરોડોનો મુદ્દામાલ જપ્ત
પોલીસે 7084.0 ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે. જેની કિંમત મુજબ 1 ગ્રામના અંદાજે 20,000 રૂપિયા લેખે આ ડ્રગ્સની કુલ કિંમત રૂપિયા 14,16,80,000 રૂપિયા છે. આ ઉપરાંત પોલીસ આરોપી પાસેથી મોબાઈલ ફોન, રોકડા રૂપિયા, આધાર કાર્ડ અને ટ્રાવેલ બેગ સહિત કુલ 14,16,94,820 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આરોપી સાજીદ શેખ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અને આ રેકેટમાં જોડાયેલા નાઇજીરીયન તથા જયપુરના અજાણ્યા શખસની શોધખોળ શરૂ કરી છે.










