Operation Sindoor: ભારતીય સેનાની ત્રણેય પાંખ દ્વારા ગઈકાલે મોડી રાત્રે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કરી નવ આતંકી સ્થળોને નષ્ટ કરવામાં આવ્યા હતા. સેનાની આ કાર્યવાહીને દેશભરમાં બિરદાવવામાં આવી રહી છે. વિપક્ષે પણ સેનાની કામગીરીની બિરદાવતાં આ મામલે પોતે સેના અને સરકાર સાથે હોવાનું મહત્ત્વનું નિવેદન આપ્યું છે.
કોંગ્રેસ પક્ષ તરફથી સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું છે. કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, અમારો પક્ષ સરકાર અને સેના સાથે છે. અમે દરેક પગલે તેમનું સમર્થન કરીએ છીએ. અમે સરકારની તમામ કાર્યવાહીને સમર્થન આપીએ છીએ. ભારતીય સેના પર અમને ગર્વ છે. કોંગ્રેસ પક્ષ દેશના વીર જવાનો સાથે છે.
આ પણ વાંચોઃ ઓપરેશન સિંદૂર બાદ NSA ડોભાલ એક્શન મોડમાં, US-UK અને ચીન સહિત જુઓ કેટલા દેશોનો સંપર્ક કર્યો
રાહુલ ગાંધીએ પણ સમર્થન આપ્યું
રાહુલ ગાંધીએ પણ મીડિયા સમક્ષ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું કે, કાર્યકારી સમિતિમાં અમે આ મુદ્દે ચર્ચા કરીએ છે. અમે અમારી સેનાને સંપૂર્ણપણે સમર્થન આપીએ છીએ. તેમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. કોંગ્રેસ પક્ષ તેમની સાથે છે.
ખડગેએ સેના પર ગર્વ વ્યક્ત કર્યો
ખડગેએ જણાવ્યું કે, પાકિસ્તાન અને POKમાં આતંકી શિબિર વિરૂદ્ધ સાહસી અને નિર્ણાયક કાર્યવાહી બદલ અમને સશસ્ત્ર દળો પર ગર્વ છે. અમે ઓપરેશન સિંદૂરની સફળ કામગીરી મારફત જડબાતોડ જવાબ આપવા બદલ ગર્વ અનુભવીએ છીએ. INDIA ગઠબંધનના તમામ સહયોગી એકજૂટ થઈ કામ કરી રહ્યા છીએ. અમે સેના અને સરકારને સમર્થન આપીએ છીએ.