![]()
Supreme Court: ઉત્તર પ્રદેશના મેરઠમાં લગ્નના ઠીક પહેલાં યુવતી અને તેના પિતાની હત્યાના ચર્ચિત મામલામાં સુપ્રીમ કોર્ટે મંગળવારે મુખ્ય આરોપી સાગરને રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે. અદાલતે આરોપીની જામીન અરજી પર સુનાવણી કરવાનો પણ ઈનકાર કરી દીધો. સુનાવણી દરમિયાન ન્યાયાધીશોની ટિપ્પણી પણ ચર્ચાનો વિષય બની ગઈ.
ન્યાયમૂર્તિ વિક્રમ નાથની અધ્યક્ષતાવાળી પીઠ આ મામલાની સુનાવણી કરી રહી હતી. સુનાવણી દરમિયાન અદાલતે આરોપી સામે લાાગેલા આરોપોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, તેણે પોતાની કથિત પ્રેમિકા અને તેના પિતાની હત્યા કરી દીધી અને તેના ભાઈને પણ ગોળી મારીને ઘાયલ કરી દીધો હતો.
ગર્લફ્રેન્ડના હત્યારાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
પીઠે ટિપ્પણી કરતા કહ્યું કે, ‘માય ગોડ! તેં તારી ગર્લફ્રેન્ડને મારી નાખી, તેના પિતાની પણ હત્યા કરી દીધી અને તેના ભાઈને પણ ઘાયલ કરી દીધો. તું તો બહુ મોટો દુસ્સાહસી નીકળ્યો. શું તેં અજય દેવગનની બિહાર પર બનેલી ફિલ્મ નથી જોઈ? તું તો ગર્લફ્રેન્ડ કિલર છે. આ તો કોઈ ફિલ્મની સ્ટોરી જેવો મામલો છે.’
ફાયરિંગમાં યુવતી અને પિતાનું મોત
આ મામલો જૂન 2020નો છે. પ્રોસિક્યુશન (અભિયોજન પક્ષ)ના જણાવ્યા પ્રમાણે યુવતીના ભાઈએ મેરઠમાં FIR નોંધાવી હતી, જેમાં સાગર પર એકતરફી પ્રેમ અને સતત પીછો કરવાનો (સ્ટોકિંગ) આરોપ લગાવવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે યુવતીના લગ્ન અન્ય યુવક સાથે નક્કી થઈ ગયા હતા. લગ્નના બે દિવસ પહેલાં સાગર પોતાના કેટલાક સાથીદારો સાથે યુવતીના ઘરે પહોંચ્યો અને ત્યાં અંધાધૂંધ ફાયરિંગ કરી દીધું. આ હુમલામાં યુવતી અને તેના પિતાનું મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારના અન્ય સભ્યો ઘાયલ થયા હતા.
ઘટના બાદ આરોપીની ધરપકડ
ઘટના બાદ સાગરની ધરપકડ કરી લેવામાં આવી હતી અને ત્યારથી તે જેલમાં છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ઘટના સમયે તે માત્ર 18 વર્ષનો હતો અને છેલ્લા છ વર્ષથી જેલમાં છે. સુપ્રીમ કોર્ટમાં આરોપીનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ અભિષેક રાણાએ દલીલ કરી હતી કે, ફરિયાદ પક્ષનો આખો કેસ અનેક ખોટા તથ્યો ધરાવતી FIR પર આધારિત છે. તેમણે કહ્યું કે, ફરિયાદી અને મહિલાના ભાઈએ ટ્રાયલ કોર્ટમાં પૂછપરછ દરમિયાન સ્વીકાર્યું હતું કે તે આ ઘટના સમયે ઘટનાસ્થળે હાજર નહોતો, જ્યારે FIR તેણે જ નોંધાવી હતી.
આ પણ વાંચો: મુંબઈ-ગુજરાતમાં એકસાથે 20 સ્થળોએ દરોડાથી અંડરવર્લ્ડમાં ફફડાટ! દાઉદના ખાસ સલીમ ડોલા પર EDનો સકંજો
બચાવ પક્ષે એવી પણ દલીલ કરી હતી કે, કથિત પ્રત્યક્ષદર્શીનું નિવેદન સાબિત નથી થઈ શક્યું. આ સાથે જ રાજ્ય સરકારે હજુ પણ 43 સાક્ષીઓના નિવેદન નોંધાવવાના બાકી છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે ફરિયાદકર્તા પોતાના નિવેદનથી પીછેહઠ કરી જવાના કારણે એફઆઈઆર (FIR)ની સત્યતા પર ગંભીર સવાલો ઊભા થાય છે.
જોકે, સુપ્રીમ કોર્ટ આ દલીલોથી સંતુષ્ટ ન થઈ અને જામીન અરજી પર વિચાર કરવાનો ઈનકાર કરી દીધો. અદાલત જ્યારે અરજી ફગાવી દેવાના સંકેત આપવા લાગી ત્યારે આરોપીના વકીલે તેને પરત ખેંચવાની પરવાનગી માંગી હતી, જેથી ભવિષ્યમાં યોગ્ય સમયે હાઈકોર્ટનો સંપર્ક કરી શકાય.
ઉલ્લેખનીય છે કે આ પહેલા અલ્હાબાદ હાઈકોર્ટે પણ સાગરની જામીન અરજી ફગાવી દીધી હતી. જોકે, હુમલામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને હાઈકોર્ટે જામીન આપી દીધા છે.










