![]()
Mahisagar News: જાનમાં નીકળેલા આ નબીરાઓ રીલ્સના ચક્કરમાં ભાન ભૂલ્યા અને ગાડીના બોનેટ પર ખતરનાક ડાન્સ કરવો એવો મોંઘો પડ્યો કે વીરપુર પોલીસે સીધા જેલના સળિયા ગણાવી દીધા! મહીસાગર જિલ્લામાં ચાલુ કારના બોનેટ પર ચઢીને કાયદાના ધજાગરા ઉડાવતા યુવાનોનો વીડિયો વાઇરલ થતાં જ પોલીસ એક્શનમાં આવી છે. પોતાની સાથે સાથે બીજાને પણ જોખમમાં મૂકતા આ સ્ટંટબાજો અને બંને ગાડીના ચાલકોને પોલીસે પકડીને એવો કાયદાનો પાઠ ભણાવ્યો છે કે જિંદગીભર સ્ટંટ ભૂલી જશે! પોલીસે તમામ સામે કાયદેસરનો ગુનો નોંધી જેલભેગા કર્યા છે.
સાત લોકોની ધરપકડ
પોલીસે ઘટના અંગે વિગતો આપતા જણાવ્યું કે, ‘તારીખ 31/5ના રોજ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયોમાં કેટલાક યુવકો ગાડીના બોનેટ પર ચડીને ડાન્સ કરતા, જોખમી સ્ટન્ટ કરતા હોવાનું જોવા મળેલું હતું. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વીરપુર પોલીસ દ્વારા બે ગાડી ચાલકો તેમજ પાંચ અન્ય ઇસમો સહિત ટોટલ સાત લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.’
ડ્રાઇવિંગ લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી
‘આ સમગ્ર ઘટનામાં સરેડીયા ગામેથી લગ્નની જાન ચાટકી ગામે જઈ રહી હતી, તે દરમિયાન આ કેટલાક યુવકો આ ગાડીના બોનેટ પર ચડીને આ ટાઈપના જોખમી સ્ટન્ટ કરી રહ્યા હતા, જેનો વીડિયો ઉતારી વાઈરલ કર્યો હતો. પોલીસે આ લોકોની ધરપકડ કરી લીધી છે, સાથોસાથ જે બે વાહન ચાલકો છે તેમના ડ્રાઇવિંગ લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી પણ કરી છે.’
આ પણ વાંચો: ગુજરાત પોલીસની બોર્ડર રેન્જનું વિભાજન: નવી બનાસકાંઠા રેન્જ બનાવાઈ, મુખ્ય મથક પાલનપુર
સાથે જ પોલીસે એ પણ અપીલ કરી હતી કે સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ કરવાના ચક્કરમાં આ પ્રકારના કોઈપણ જોખમી સ્ટંટ કરવાનું ટાળો, નહીંતર પોલીસ દ્વારા આપના વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે. સાથોસાથ જે વાહનો સંકળાયેલા છે એ વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ્દ કરવામાં આવશે.










