![]()
– રશિયાથી એક લાખ ટન ક્રૂડ ઓઇલ સાથે ટેન્કર રવાના થયું હતું
– પતિની ધરપકડની જાણકારી સોશિયલ મીડિયા પરથી થઇ, સરકાર મદદ કરે : ઉત્તરાખંડ રહેતી પત્નીની માગ
નવી દિલ્હી/લંડન: બ્રિટને રશિયન શૈડો ફ્લીટના ઓઇલ ટેન્કરમાં તૈનાત ભારતીય કેપ્ટન અજય પંતની ધરપકડ કરી છે. બ્રિટન નજીકના ઇંગ્લિશ ચેનલ (ઘાડી)માં આ રશિયન જહાજને રોકી લીધુ હતું જે બાદ આ ભારતીય કેપ્ટનની ધરપકડ કરવામાં આવી છે. જેને પગલે હવે ભારતમાં રહેતા તેમના પરિવારે સરકાર પાસે મદદ માગી છે. જે ટેન્કર પર બ્રિટને કબજો કરી લીધો છે તે ગુજરાતના સિક્કા પોર્ટ પર આવી રહ્યું હતું તેવા અહેવાલો છે.
રશિયા પરના પ્રતિબંધોના ભંગનો આરોપી લગાવી ધરપકડ કરાયેલા કેપ્ટન અજયને ૧૦ વર્ષની કેદની ભીતિ
૩૮ વર્ષીય અજય પંત એમવી સ્મીરટોસ નામના રશિયન ઓઇલ ટેન્કરને રશિયાના લુગા ટર્મિનલથી લઇને રવાના થયા હતા. આ ટેન્કરમાં ૧૦૧,૪૦૦ ટન ઉરાલ ક્રૂડ ઓઇલ લોડ કરાયું હતું. જેને ભારતમાં ગુજરાતના સિક્કા પોર્ટ સુધી લાવવામાં આવી રહ્યું હતું. જોકે જહાજ બ્રિટન પાસેથી ઇંગ્લિશ ઘાડી પાસે પહોંચતા જ તેને રોકી લેવાયું હતું. બ્રિટિશ સુરક્ષાદળો દ્વારા આ જહાજને અટકાવાયું અને બાદમાં જહાજના ભારતીય કેપ્ટન અજય પંતની ધરપકડ કરી લેવામાં આવી. બ્રિટનના રોયલ મરીન્સ કમાન્ડોએ હેલીકોપ્ટરથી ઉતરીને ટેન્કર પર કબજો કર્યો હતો. ધરપકડ બાદ અજય પંતને ૧૬ જૂનના રોજ સાઉથેમ્પ્ટન મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા.
ભારતીય કેપ્ટન પર રશિયા પર ૨૦૧૯માં લાદવામાં આવેલા પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બ્રિટનની કોર્ટે હાલ તેમને કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો છે જ્યારે આગામી સુનાવણી ૧૬મી જુલાઇના રોજ થશે, બીજી તરફ આ કેપ્ટનનો પરિવાર ઉત્તરાખંડના નૈનીતાલમાં રહે છે અને તેમને આ જાણકારી મળતા જ ચિંતામાં મુકાયો છે. અજય પંતના પત્ની રીતુએ કહ્યું હતું કે મારા પતિની ધરપકડ થઇ છે તેની જાણકારી પણ મને સોશિયલ મીડિયા અને મીડિયા દ્વારા મળી છે. કેપ્ટન પર જે આરોપો લગાવાયા છે તેમાં જો તેમને દોષિત ઠેરવવામાં આવે તો ૧૦ વર્ષની કેદની સજા પણ થઇ શકે છે.










