ભાવનગરની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા શ્રીમતી એલ. એલ. કાકડિયા બી.એડ. કોલેજના તાલીમાર્થીઓ દ્વારા નવી પેઢીમાં પર્યાવરણીય સજાગતા અને સંરક્ષણના ઉદ્દાત હેતુથી એક પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી હતી.
કોલેજના પ્રિન્સિપાલ ના કુશળ નેતૃત્વ અને સંસ્થાના પ્રાધ્યાપક ડૉ. જલ્પનાબેન ત્રિવેદીના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ બી.એડ. તાલીમાર્થીઓ પાર્થ જોષી, અસ્લમ ઉચડિયા અને વત્સલ દવે દ્વારા શહેરની જાણીતી શાળાઓ માજીરાજ ગર્લ્સ હાઇસ્કૂલ તેમજ એકતા હાઇસ્કૂલ ખાતે ‘પર્યાવરણ જાગૃતિ સર્વેક્ષણ ઝુંબેશ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ સર્વેક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીના વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રદૂષણ, જળ સંરક્ષણ, ઊર્જાનો કરકસરભર્યો ઉપયોગ, વૃક્ષારોપણ, કચરાનું યોગ્ય વ્યવસ્થાપન અને રોજીંદા જીવનમાં ઇકો-ફ્રેન્ડલી આદતો પ્રત્યેની જાગૃતિ તપાસવાનો હતો. આ હેતુ માટે ૩૦ મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક પ્રશ્નો આધારિત સર્વેક્ષણ પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવી હતી, જેમાં ધોરણ ૯ ના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના સ્પષ્ટ પ્રતિભાવો નોંધાવ્યા હતા.
સર્વેક્ષણના મુખ્ય તારણો
સર્વેક્ષણના પરિણામો અત્યંત હકારાત્મક અને પ્રેરણાદાયક રહ્યા છે. સર્વેક્ષણના પરિણામો અનુસાર ૯૮% વિદ્યાર્થીઓએ પોતાના ઘરમાં કે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરીને તેની સક્રિય જાળવણી કરેલ છે. ૯૬% વિદ્યાર્થીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે અભ્યાસક્રમના દરેક તબક્કે પર્યાવરણ શિક્ષણ સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક ધોરણે ફરજિયાત બનાવવું જોઈએ.
આ ઉપરાંત, ૯૫% વિદ્યાર્થીઓ પોતાની આસપાસ સ્વચ્છતા રાખવામાં માને છે તેમજ સામુહિક પ્રયાસોથી પૃથ્વીનું પર્યાવરણ બચાવી શકાશે તેવી આશા વ્યક્ત કરી હતી. ઊર્જા સંરક્ષણ ક્ષેત્રે ૮૯% વિદ્યાર્થીઓ જરૂર ન હોય ત્યારે વીજળીના ઉપકરણો બંધ રાખી ઊર્જા બચાવતા હોવાનું અને ૭૪% વિદ્યાર્થીઓ પ્રદૂષણ નિયંત્રણ કાજે જાહેર વાહન વ્યવહારનો ઉપયોગ પસંદ કરતા હોવાનું સામે આવ્યું હતું.
સર્વેક્ષણમાં કેટલાક સુધારાલક્ષી પાસાઓ પણ ધ્યાને આવ્યા હતા; જેમાં ૬૦% વિદ્યાર્થીઓ સરકારી પ્રદૂષણ નિયંત્રણ નીતિઓ અને પ્રોત્સાહક યોજનાઓ અંગે વધુ માર્ગદર્શન ઇચ્છતા હતા, જ્યારે પ્લાસ્ટિક રિસાયક્લિંગ અંગે ૫૫% વિદ્યાર્થીઓમાં વિશેષ જાગૃતિ લાવવાની જરૂરિયાત જણાઈ હતી. આ ઉત્તમ પહેલને વધુ બળ આપવા તાલીમાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક વિશેષ પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.
પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા સેમિનાર સમાપ્ત થયે બંને શાળાઓના વિદ્યાર્થીઓએ તાલીમાર્થીઓ દ્વારા લેવાયેલી પર્યાવરણ જાગૃતિની શપથ વિધિમાં પણ સહર્ષ ભાગ લીધો હતો.
સમગ્ર કાર્યક્રમ અંતર્ગત તાલીમાર્થીઓ દ્વારા થયેલ સફળ કામગીરીને કોલેજના આચાર્યશ્રી અને પ્રાધ્યાપક ડૉ. જલ્પાબેન ત્રિવેદીએ બિરદાવી શુભકામનાઓ પાઠવી હતી.
સંપર્ક અને વિગતો
તાલીમાર્થીઓ (ટીમ) પ્રોજેક્ટ માર્ગદર્શક પ્રિન્સિપાલ
• પાર્થ જોષી
• અસ્લમ ઉચડિયા
• વત્સલ દવે










