પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં રેલવે કર્મચારીઓના શારીરિક સ્વાસ્થ્ય, ફિટનેસ અને રમતગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી 14 ઑક્ટોબર, 2026ના રોજ રેલવે કોલોની, ભાવનગર પરા ખાતે નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક, ભાવનગર શ્રી દિનેશ વર્મા ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગર મંડળ સ્પોર્ટ્સ એસોસિએશનના અધ્યક્ષ અને મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ તથા એસોસિએશનના સચિવ શ્રી હરીશ જનસારીની દેખરેખમાં તૈયાર કરવામાં આવેલા આ લૉન ટેનિસ કોર્ટથી રેલવે કર્મચારીઓને રમતગમત માટે વધુ સારી સુવિધા ઉપલબ્ધ થશે. આ પહેલ કર્મચારીઓમાં શારીરિક સક્રિયતા, સ્વસ્થ જીવનશૈલી અને મનોરંજનને પ્રોત્સાહન આપવા ઉપરાંત તેમની રમતગમતની પ્રતિભાઓને વિકસાવવામાં પણ સહાયક બનશે.
નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે મંડળના અધિકારીઓ દ્વારા કોર્ટના બાહ્ય પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પહેલ દ્વારા રમતગમત અને ફિટનેસને પ્રોત્સાહન આપવાની સાથે પર્યાવરણ સંરક્ષણ, હરિયાળા પરિસરના વિકાસ તથા સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ પ્રત્યે ભાવનગર મંડળની પ્રતિબદ્ધતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ભાવનગર મંડળ કાર્યાલયના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટ ભાવનગર મંડળમાં રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા તથા રેલવે કર્મચારીઓના સર્વાંગી વિકાસ પ્રત્યે મંડળની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.










