શ્રીમોગલમાંના પ્રાગટ્ય દિવસની અનોખી ઉજવણી: પૂજારીઓનું સન્માન કરી સેવાભાવી પહેલને મહેમાનોએ બિરદાવી…
ચલાલા:દાનેવધામ ચલાલા ખાતે શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી મોગલમાંના પ્રાગટ્ય દિવસ નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ચલાલા અને મીઠાપુર વિસ્તારમાં આવેલાં વિવિધ મંદિરોના પૂજારીઓનું સન્માન કરીને તેમની ધાર્મિક સેવા અને સમર્પણને બિરદાવવામાં આવ્યાં હતાં…
આ કાર્યક્રમમાં હાથસણીના પૂજ્ય ભક્તિરામબાપુ માનવમંદિર, ગઢિયા ગીર દાનેવ આશ્રમના મહંત પૂજ્ય હર્ષદબાપુ ભગત, શ્રી રામબાપુ, ભૂતડા દાદા મંદિર ઢોલરવાના મહંતશ્રી, ઉદયબાપુ ભગત, મયુરબાપુ, ચલાલા નગરપાલિકાના પ્રમુખ જયરાજભાઈ વાળા, ફેસબુક સ્ટાર ક્રિએટર લાલજીભાઈ બોદર, પ્રકાશભાઈ કારિયા,કીર્તિભાઈ ભટ્ટ તેમજ ધારી પત્રકાર સંઘ નાં પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી સિનિયર પત્રકાર ટીનુભાઈ લલિયા. વનરાજ ડામોર તેમજ પૂજારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુદાદા જાની દ્વારા પૂજારીઓના સન્માનની આ પહેલ કરવામાં આવી હતી. મંદિરોના નિર્માણ પાછળ લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ મંદિરોમાં નિયમિતપણે ધાર્મિક સેવા આપતા પૂજારીઓના યોગદાનને ઘણીવાર પૂરતું મહત્વ મળતું નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને પૂજારીઓનું સન્માન કરવાનો વિચાર અમલમાં મૂકવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહેમાનોએ આ પહેલને આવકારી હતી.
આ પ્રસંગે આમંત્રિત મહેમાનો દ્વારા ટ્રસ્ટના પ્રમુખ રાજુદાદા જાનીનું પણ ફૂલહાર અને શાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. રાજુદાદા જાનીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત સૌ માટે ભોજનપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજુદાદા જાની અને મિતેશભાઈ ભટ્ટ, અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. ધાર્મિક સેવા સાથે જોડાયેલા પૂજારીઓનું સન્માન કરીને ટ્રસ્ટે સમાજમાં તેમની સેવાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો સંદેશ આપ્યો હતો.







