Salman Rushdie News: લેખક સલમાન રૂશ્દી પર છરીથી હુમલામાં દોષિત શખ્સને શુક્રવારે 25 વર્ષની જેલની સજા સંભળાવાઈ. ન્યૂયોર્કમાં 2022માં એક કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર ચડીને હુમલો કરાયો હતો. હુમલામાં લેખકની એક આંખની રોશની ચાલી ગઈ હતી.
જૂરીએ 27 વર્ષીય હાદી માતરને ફેબ્રુઆરીમાં હત્યાના પ્રયાસ અને હુમલાના દોષિત ગણાવ્યા હતા. કેસ દરમિયાન 77 વર્ષીય લેખક મુખ્ય સાક્ષી હતા. તેમણે જણાવ્યું કે, કેવી રીતે તેમને લાગ્યું કે, તેઓ મરી રહ્યા છે, જ્યારે એક માસ્ક પહેરેલા હુમલાખોરે તેમના માથા અને શરીર પર એક ડઝનથી વધુ વખત છરીથી હુમલો કર્યો.
જાણો દોષિતે શું કહ્યું?
સજા સંભળાતા પહેલા માતરે અભિવ્યક્તિની આઝાદી અંગે એક નિવેદન આપ્યું, જેમાં તેમણે રૂશ્દીને પાખંડી ગણાવ્યા. તેમણે કહ્યું કે, સલમાન રૂશ્દી અન્ય લોકોનું અપમાન કરવા માગે છે. તેઓ બીજા લોકોને ધમકાવવા માગે છે, જેમાં હું સહમત નથી.
હુમલો કરનારને કોર્ટે સંભળાવી 25 વર્ષની સજા
માતરને રૂશ્દીની હત્યાના પ્રયાસ માટે વધુમાં વધુ 25 વર્ષની સંભળાવાઈ અને સ્ટેજ પર હાજર અન્ય વ્યક્તિને ઘાયલ કરવા માટે સાત વર્ષની સજા સંભળાવવામાં આવી. ચૌટાઉક્વા કાઉન્ટીના જિલ્લા અટાર્ની જેસન શ્મિટે કહ્યું કે, સજાઓ સાથે ચાલવી જોઈએ, કારણ કે બંને પીડિત એક જ ઘટનામાં ઘાયલ થયા હતા.