Stock Market Today: વૈશ્વિક અને સ્થાનિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે સેન્સેક્સ આજે 300થી વધુ પોઈન્ટ ઉછળી 47 ટ્રેડિંગ સેશન બાદ 83,000ના લેવલ પર બંધ રહ્યો છે. અગાઉ 10 જુલાઈના રોજ 83190.28 પર બંધ રહ્યો હતો. નિફ્ટીએ 100 પોઈન્ટના ઉછાળા સાથે 25448.95ની ઈન્ટ્રા ડે હાઈ સપાટી નોંધાવી હતી. અંતે 93.35 પોઈન્ટ સુધારા સાથે 25423.60 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ 320.25 પોઈન્ટ ઉછાળી 83013.96 પર બંધ રહ્યો હતો.
ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડો કરવામાં આવતા આઈટી શેર્સમાં તેજી જોવા મળી છે. આઈટી સેગમેન્ટમાં ઘણી કંપનીઓના શેર 8થી 10 ટકા ઉછળ્યા હતા. બીએસઈ આઈટી અને હેલ્થકેર ઈન્ડેક્સ 0.81 ટકા અને 0.87 ટકા સુધારા સાથે બંધ રહ્યા હતાં.
શેરબજારમાં ઉછાળા પાછળના કારણો
ફેડ રેટ કટઃ અમેરિકાની ફેડરલ રિઝર્વે વ્યાજના દરોમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. તેમજ આગામી સમયમાં વધુ બે વખત વ્યાજના દરો ઘટાડવાનો સંકેત આપ્યો છે. આ પગલું ભારતમાં એફઆઈઆઈ રોકાણમાં વધારો કરશે.
વૈશ્વિક શેરબજારોમાં તેજીઃ એશિયન, યુરોપિયન, અને અમેરિકન બજારોમાં ફેડ રેટ કટની અસર જોવા મળી હતી. તેમાં તેજીના સથવારે આજે સ્થાનિક શેરબજારમાં પણ સાર્વત્રિક તેજી જોવા મળી હતી.
ક્રૂડના ભાવોમાં ઘટાડોઃ બ્રેન્ટ ક્રૂડ 0.16 ટકા તૂટી 67.86 ડોલર પ્રતિ બેરલ થયો હતો. બ્રેન્ટ ક્રૂડના નીચા ભાવોના કારણે આયાત બિલ ઘટવાની શક્યતા તેમજ ફુગાવામાં રાહતના સંકેતો મળ્યા છે.
યુએસ-ભારત વેપાર મંત્રણાઃ અમેરિકાના વેપાર પ્રતિનિધિઓ હાલ નવી દિલ્હીની મુલાકાતે છે. ટ્રમ્પના ટેરિફ બોમ્બ બાદ અટવાઈ પડેલી વેપાર મંત્રણા પર ફરી ચર્ચાઓ શરૂ થઈ છે. બંને દેશો દ્વિપક્ષીય વેપાર કરારમાં સકારાત્મક નિર્ણય લે તેવા આશાવાદના કારણે શેરબજારને ટેકો મળ્યો છે.











