![]()
Silver and Gold Price news : ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર તેજીનો માહોલ જોવા મળ્યો છે. અગાઉના સત્રમાં આવેલા કડાકા બાદ આજે બજાર ખુલતાની સાથે જ બંને કિંમતી ધાતુઓના ભાવમાં ઉછાળો નોંધાયો છે. જોકે ગઈકાલના ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો સોના અને ચાંદીની કિંમતોમાં વાયદા બજારમાં મોડી રાતે જોરદાર કડાકાની સ્થિતિ સર્જાઈ હતી. જોકે હવે ફરી એકવાર બજારમાં હરિયાળી જોવા મળી રહી છે.
સોનાની શું છે સ્થિતિ?
સોનામાં આજે ફરી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે MCX પર સોનું 153750 પર ખુલ્યું હતું. જે તેના જૂના ક્લોઝિંગ 152836 કરતાં 940 રૂપિયા વધારે છે. જોકે ટ્રેડિંગની શરૂઆત થતાં જ સોનું 154837ના આજના હાઈ લેવલ પર પહોંચી ગયું હતું. જેના પરથી અંદાજ આવે છે કે સોનામાં 2001 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. જોકે સમાચાર લખવા સુધીમાં સોનું 1565 રૂપિયા એટલે કે 1 ટકાના વધારા સાથે ટ્રેડ થઇ રહ્યું છે. સોનાની વાત કરીએ તો ગઇકાલે સોનું 158000ની આસપાસ ટ્રેડ થઇ રહ્યું હતું. જોકે અચાનક જ આવેલા કડાકાને કારણે સોનું સીધું ગગડીને 149938ના લેવલને ટચ કરી ગયું હતું. જેના લીધે રોકાણકારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે આજે ફરી સોનું 154837 ના હાઈ લેવલે પહોંચતા રોકાણકારોએ હાશકારો લીધો હતો.
ચાંદીમાં ચમકારો
જોકે ચાંદીની વાત કરીએ તો ગઇકાલે ચાંદીમાં અચાનક જ મોટો કડાકો આવ્યો હતો. ચાંદી ગઇકાલે 260000 થી 258000 વચ્ચે ટ્રેડ થઇ રહી હતી પરંતુ અચાનક જ 45 મિનિટમાં બાજી પલટાઈ અને ચાંદી ગગડીને સીધી 234722ના લેવલ પર પહોંચી ગઇ હતી જે આશરે 25000થી વધુનો કડાકો દર્શાવે છે. જોકે આજે ચાંદી તેના જૂના ક્લૉઝિંગ 236435 થી સીધી 239600 પર ખુલી હતી. એટલે કે શરૂઆતમાં ચાંદીમાં 3191 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. જોકે ટ્રેડિંગ શરૂ થતાં જ ચાંદી 242081 ના લેવલ પર પહોંચી ગઇ હતી જે 5646 રૂપિયાનો ઉછાળો દર્શાવે છે.










