![]()
દેશનું પ્રથમ નેચર થીમ આધારિત ટર્મિનલ ખુલ્લુ મુકાયું
એરપોર્ટ પર કનેક્ટિવિટી વધશે જેનાથી ઉત્તરપૂર્વમાં આર્થિક વિકાસને ટેકો મળશે : ગૌતમ અદાણી
ગુવાહાટી: શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના ગુવાહાટીમાં લોકપ્રીય ગોપીનાથ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું. આશરે ૪૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે આ ટર્મિનલ તૈયાર કરવામાં આવ્યું છે. જેની ડિઝાઇનમાં આસામની સંસ્કૃતિ અને હેરિટેજના વારસાને આવરી લેવાયા છે. આ એરપોર્ટનું સંચાલન અદાણી દ્વારા કરવામાં આવી રહ્યું છે. ટર્મિનલના ઉદ્ઘાટન પ્રસંગે ગૌતમ અદાણી પણ હાજર રહ્યા હતા.
નેચર (કુદરત)ની થીમ પર આ આખુ ટર્મિનલ તૈયાર કરવામાં આવ્યું છે, આવી થીમ પર તૈયાર થનારુ આ પ્રથમ એરપોર્ટ માનવામાં આવે છે. આ પ્રોજેક્ટની પાછળનો કુલ ખર્ચ ૫૦૦૦ કરોડ રૂપિયા છે જેમાંથી ૧૦૦૦ કરોડ રૂપિયા વિશેષ દેખરેખ, મેઇન્ટેનન્સ, રિપેરિંગ માટે જ ફાળવાયા છે. આ ટર્મિનલ વર્ષે આશરે ૧૩૦ લાખ મુસાફરોને આવરી લેવાની ક્ષમતા ધરાવે છે.
આ પ્રોજેક્ટને ગુવાહાટી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ. દ્વારા તૈયાર કરાયો છે જેના ઓપરેશનની આગેવાની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.ની પાસે છે. અદાણી ગુ્રપના ચેરમેન ગૌતમ અદાણીએ આ ટર્મિનલના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે પ્રાંતના વિકાસ માટે આ નવુ ટર્મિનલ મહત્વની ભૂમિકા ભજવશે. પર્યટનની સાથે હવે ગુવાહાટી ઔદ્યોગિક વિકાસમાં પણ મજબૂત ભૂમિકામાં જોવા મળશે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યા બાદ તેના પર સમગ્ર નજર નાખી હતી. સાથે જ તેમણે એરપોર્ટ મોડેલની પણ ચકાસણી કરી હતી. એરપોર્ટના નવા ટર્મિનલના બાંધકામ સાથે જોડાયેલા વર્કર્સની સાથે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાતચીત કરી હતી. આ એરપોર્ટને ગોપીનાથ બોરદોલોઇ નામ આપવામાં આવ્યું છે, ગોપીનાથ આસામના પ્રથમ મુખ્યમંત્રી હતા.










