Ahmedabad News: અમદાવાદ જિલ્લાના બાવળામાં ઊંચા અવાજે મ્યુઝિક વગાડવા બાબતને લઈને થયેલા ઝઘડાએ હત્યાનું સ્વરૂપ ધારણ કર્યું છે. શ્યામ કોમ્પ્લેક્સમાં આવેલા એક મકાનના માલિક પ્રદીપસિંહ ચૌહાણની છરીના ઘા ઝીંકીને હત્યા કરાઈ હતી. ઘટના બાદ બાવળા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મ્યુઝિકના અવાજને લઈને શરૂ થયો ઝઘડો
મળતી માહિતી અનુસાર, આ ઘટના બાવળાના શ્યામ કોમ્પ્લેક્સમાં બની હતી, જ્યાં મકાન માલિક પ્રદીપસિંહ ચૌહાણના મકાનમાં રહેતા ભાડુઆત રવિન્દ્રસિંહને તેના પાડોશી સુરેશ ઠક્કર સાથે ઊંચા અવાજે મ્યુઝિક વગાડવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડો ઉગ્ર બનતા મકાન માલિક પ્રદીપસિંહ ચૌહાણ વચ્ચે પડ્યા હતા અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: ઉત્તરાયણ પહેલાં જ સુરતમાં કરુણાંતિકા, પતંગ પકડવા ગયેલા 12 વર્ષીય માસૂમ પર જર્જરિત દીવાલ પડતાં મોત
જો કે, ગુસ્સે ભરાયેલા સુરેશ ઠક્કરે ઘરમાંથી છરો કાઢ્યો હતો અને પ્રદીપસિંહ ચૌહાણને છાતીના ભાગે બે ઘા મારી દીધા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત પ્રદીપસિંહને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
પોલીસની તાત્કાલિક કાર્યવાહી
ઘટનાની જાણ થતાં જ બાવળા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે હત્યાની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. ઝડપી કાર્યવાહી કરીને પોલીસે હત્યાના આરોપી સુરેશ ઠક્કરની ધરપકડ કરી લીધી છે. પોલીસે હાલમાં આગળની તપાસ હાથ ધરી છે.










